મધ્યપ્રદેશના રતલામમાં આજે ‘એમપી રાઈઝ 2025’ કોક્લેવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ પણ ભાગ લેશે. ગત રાત્રિના ડીઝલ ભરાવ્યા બાદ મુખ્યમંત્રીના કાફલાના વાહનો થોડા અંતર બાદ અચાનક ચાલતા બંધ થઈ ગયા. તપાસ કરી તો ખબર પડી કે તેમાં પાણી હતું.
ડીઝલ ભરાવ્યા બાદ વાડનો બંધ થયા
આ ઘટના રાત્રે 10 વાગ્યાની આસપાસ બની હતી. રતલામમાં એમપી રાઈઝ 2025′ કોન્કલેવ માટે સીએમના કાફલા માટે ઇન્દોરથી લગભગ 19 ઈનોવા કાર મંગાવવામાં આવી હતી. કાફલાના લગભગ 19 વાહનો ધોસી ગામ નજીક ભારત પેટ્રોલ પંપ પર ડીઝલ ભરવા ગયા હતા. ત્યાં ડીઝલ ભર્યા પછી થોડું અંતર કાપ્યા પછી બધા વાહનો અચાનક ચાલતા બંધ થઈ ગયા.
પેટ્રોલ પંપને સીલ કરી દેવાયો
મુખ્યમંત્રીના કાફલાના વાહનોમાં ખામી હોવાની માહિતી મળતા જ વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જ્યારે તમામ વાહનોમાંથી ડીઝલ ખાલી કરવામાં આવ્યું ત્યારે તેમાં પાણી મળી આવ્યું હતું. વાહનોના ડીઝલ ટેન્ક ખોલવામાં આવ્યા. વાહનમાં 20 લિટર ડીઝલ ભરેલું હોવાનું જાણવા મળ્યું, જેમાંથી 10 લિટર પાણી નીકળ્યું. આ સ્થિતિ તમામ વાહનોમાં જોવા મળી. વહીવટીતંત્રે ત્યારબાદ પેટ્રોલ પંપને સીલ કરી દીધો અને ઇન્દોરથી અન્ય વાહનોની વ્યવસ્થા કરવામાં આવી.
વરસાદનું પાણી ડીઝલમાં લીક થયો હોવાનો દાવો
પેટ્રોલ પંપ પર વાહનોની ટાંકી ખોલવાથી ગેરેજ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ. આ સાથે કેટલાક અન્ય ટ્રક ડ્રાઈવરો પણ આ જ ફરિયાદ સાથે પેટ્રોલ પંપ પર પહોંચ્યા હતા. અધિકારીઓએ ભારત પેટ્રોલિયમના પ્રાદેશિક મેનેજર શ્રીધરને ફોન કર્યો. તેમની સામે પેટ્રોલ પંપના કર્મચારીઓનું આ મામલે કહેવું છે કે વરસાદને કારણે ડીઝલ ટાંકીમાં પાણી લીક થયું છે.