અમદાવાદ અને પુરી ખાતે આજે ભગવાન જગન્નાથ રથયાત્રા નીકળી છે. જય રણછોડ માખણ ચોર અને જય જગન્નાથ નાદથી અમદાવાદ અને પુરી ગૂંજી રહ્યા છે. આજે વહેલી સવારે જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતી, પહિંદ વિધિ બાદ ભગવાન જગન્નાથના જયઘોષ સાથે રથયાત્રાનો પ્રારંભ કરાયો. હજારોની સંખ્યામાં ભક્તો, શ્રધ્ધાળુઓ રથયાત્રામાં જોડાયા છે. રથયાત્રા જેમ જેમ નગરમાં આગળ વધી રહી છે તેમ તેમ નગરનું વાતાવરણ જય રણછોડ નાદથી અભિભૂત થઇ રહ્યું છે. અહીં નોંધનિય છે કે, અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની આ 148મી રથયાત્રા છે.
સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, ડીજેના સાઉન્ડના કારણે હાથીઓ બેકાબૂ બન્યાં હતા. જેના કારણે ત્રણ લોકોને ઈજા થઈ હતી. ત્રણ લોકોને ઈજા થતા સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતા. જો કે, ગાંડાતૂર બનેલા હાથીઓને રથયાત્રામાંથી બાકાત કરી દેવામાં આવ્યા હોવાનુ અમદાવાદ પોલીસે એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું.
જમાલપુર જગન્નાથ મંદિરમાં મંગળા આરતી અને પહિંદ વિધિ બાદ ભગવાન જગન્નાથ નંદીઘોષ રથ પર, ભાઈ બલરામ તાલધ્વજ રથ પર અને બહેન સુભદ્રાજીને દેવદલન રથ પર બિરાજમાન કરાયા અને ભારે ઉત્સાહભેર માહોલમાં રથયાત્રાનો શુભારંભ કરાયો હતો.
મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ પહોંચ્યા રથયાત્રાનું ભવ્ય સ્વાગત
ભગવાન જગન્નાથના રથ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ પહોંચ્યા ત્યારે અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અત્યારે રથયાત્રા નિયત સમય કરતા એક કલાક સુધી મોડી ચાલી રહી છે. જેના કારણે મોસાળ સરસપુર પહોંચા સમય લાગી જવાનો છે. ભગવાન જગન્નાથ મોસાળ સરસપુર પહોંચે તે પહેલા મેઘરાજા વધામણી કરવા માટે તૈયાર છે. કારણે કે, સરસપુરમાં મેઘ મંડાણ જોવા મળ્યાં છે. એટલું જ નહીં પરંતુ વહેલી સવારે પણ મેઘરાજાએ અમી છાંટણાથી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.