સુરતમાં આજે બપોર બાદ વરસાદે વિરામ લીધા હતો. જોકે, રાત્રિના બે વાગ્યા બાદ ફરી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. 24 જૂનની સવારે 6:00 વાગ્યા સુધીમાં સુરતમાં વધુ ચાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતા.પાણી ભરાવાની સ્થિતિના કારણે સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. હીરાબાગ પંચમુખી હનુમાન મંદિરમાં પણ પાણી ઘૂસી ગયા હોવાના દૃશ્યો સામે આવ્યા છે.
ખાડીઓની આસપાસના વિસ્તારોને સાવચેત રહેવા અપીલઆજ રોજ સવારે 6 વાગ્યા સુધીમાં સુરત શહેરમાંથી પસાર થતી કેટલીક ખાડીઓમાં પાણીનું સ્તર ઊંચું નોંધાયું છે. સીમાડા ખાડી તેના ભયજનક સ્તર 4.50 મીટર પર પહોંચી ગઈ છે, જે ચિંતાજનક છે. અન્ય ખાડીઓમાં પણ પાણીનું સ્તર નોંધપાત્ર રીતે ઊંચું છે. ભેદવાડ ખાડી 6.90 મીટર પર છે, જે તેના ભયજનક સ્તર 7.20 મીટરની ખૂબ નજીક છે. મીઠી ખાડી 8.40 મીટર પર છે, જે તેના ભયજનક સ્તર 9.35 મીટરની નજીક પહોંચી રહી છે. ભાઠેના ખાડી 7.50 મીટર પર છે, જેનું ભયજનક સ્તર 8.25 મીટર છે. કાકરા ખાડી 6.35 મીટર પર છે, જે તેના ભયજનક સ્તર 8.48 મીટરથી નીચે છે. આ ખાડીઓની આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે પાણીના સ્તર પર સતત નજર રાખવામાં આવી રહી છે.

સુરત જિલ્લાના 32 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા
સવારના 8 વાગ્યાની સ્થિતિ મુજબ, ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગર દ્વારા સુરત જિલ્લામાં ચોમાસા દરમિયાન પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના વાહન વ્યવહાર માટે બંધ કરાયેલા રસ્તાઓની વિગત જાહેર કરવામાં આવી છે. આ માહિતી અનુસાર સુરત જિલ્લામાં કુલ 32 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે, જેમાંથી તમામ 32 રસ્તાઓ પંચાયત હસ્તકના છે અને કોઈ પણ સ્ટેટ હાઈવે, અન્ય માર્ગ, નેશનલ હાઈવે કે NHAI હસ્તકના રસ્તાઓ બંધ નથી. આ બંધ કરાયેલા રસ્તાઓમાં ચાલુ સ્થિતિએ 32 રસ્તાઓનો સમાવેશ થાય છે. જ્યારે ગતરોજની સ્થિતિએ કોઈ રસ્તાઓ બંધ નહોતા. આ આંકડા દર્શાવે છે કે, સુરતમાં વરસાદને કારણે પંચાયત હસ્તકના ગ્રામીણ માર્ગો પર અસર થઈ છે અને નાગરિકોને સાવચેત રહેવા વિનંતી કરવામાં આવી છે.

સુરત જિલ્લાની વરસાદની આંકડાકીય માહિતી
- ઓલપાડ: 127 મિમી
- માંગરોળ: 80 મિમી
- ઉમરપાડા: 46 મિમી
- માંડવી: 88 મિમી
- કામરેજ: 272 મિમી
- સુરત સિટી: 346 મિમી
- ચોર્યાસી: 108 મિમી
- પલસાણા: 208 મિમી
- બારડોલી: 167 મિમી
- મહુવા: 70 મિમી