Sunday, Sep 14, 2025

આવતીકાલે ગુજરાતની 3541 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી યોજાશે

2 Min Read

ગુજરાત રાજ્યમાં આવતીકાલે, 22મી જૂને, ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીઓ માટે મતદાન યોજાશે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા 8,326 ગ્રામ પંચાયતો માટે સામાન્ય, વિભાજન, મધ્યસત્ર અને પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આવતીકાલે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી યોજાનારા આ મતદાનમાં અંદાજે 81 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ ચૂંટણીઓના પરિણામ 25મી જૂને જાહેર કરવામાં આવશે.

રવિવારે યોજાનારી આ ચૂંટણીઓમાં કેટલીક જગ્યાએ રદબાતલની જાહેરાત કરવામાં આવી છે. કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીઓના કારણે કડી, જોટાણા, ભેંસાણ, વિસાવદર, જૂનાગઢ ગ્રામ્ય અને બગસરા તાલુકાઓમાં ગ્રામ પંચાયત ચૂંટણીઓ રદ કરવામાં આવી છે.

ચૂંટણી પંચના આંકડા મુજબ, કુલ 4,564 ગ્રામ પંચાયતોમાંથી 751 પંચાયતો બિનહરીફ જાહેર થઈ છે, જ્યારે 272 પંચાયતોમાં ઉમેદવારી ન થવાને કારણે બેઠકો ખાલી રહી છે. આથી, કુલ 3,541 પંચાયતોમાં સામાન્ય, વિભાજન તથા મધ્યસત્ર હેઠળ અને 353 પંચાયતોમાં પેટા ચૂંટણી માટે મતદાન થશે. રાજ્યભરમાં કુલ 3,656 સરપંચ અને 16,224 સભ્યપદ માટે ચૂંટણી યોજાશે.

મતદાન પ્રક્રિયાને સુચારુ બનાવવા માટે રાજ્યભરના 10,479 મતદાન મથકો પર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ પૈકી, 3,939 સંવેદનશીલ અને 336 અતિ સંવેદનશીલ મથકો તરીકે ઓળખ કરવામાં આવી છે. મતદારો માટે EPIC કાર્ડ ફરજિયાત રહેશે, તેમ છતાં અપવાદરૂપ પરિસ્થિતિમાં માન્ય 14 ઓળખ દસ્તાવેજોમાંથી કોઈ એક સાથે પણ મતદાન કરી શકાશે. મતદાન પત્ર દ્વારા કરવામાં આવશે. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની પોલીસ ફોર્સ તેમજ પેટ્રોલીંગ ટીમ તહેનાત કરવામાં આવશે. ચૂંટણીના 48 કલાક પહેલાંથી જાહેર સભા અને જાહેર રોશનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

નોંધનીય છે કે, ગુજરાતમાં 4,000થી વધુ ગ્રામ પંચાયતોમાં છેલ્લા ત્રણ વર્ષથી વહીવટદાર શાસન ચાલી રહ્યું છે, અને વધુ 1,400 પંચાયતોની મુદત 30મી જૂન, 2025ના રોજ પૂર્ણ થવાની છે. આ ચૂંટણીઓ 27% OBC, 14% ST અને 7% SC અનામત બેઠકો સાથે યોજાશે, જે ગુજરાત સરકારના ઓગસ્ટ 2023ના નિર્ણય અને જસ્ટિસ ઝવેરી કમિશનની ભલામણોને અનુરૂપ છે. રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક નેતૃત્વને પ્રોત્સાહન આપવા અને ગ્રામીણ વિકાસને ગતિ આપવા આ ચૂંટણીઓને સરળ અને પારદર્શી બનાવવા માટે વ્યાપક તૈયારીઓ કરી છે. નાગરિકોને ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી અને આચારસંહિતાનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

Share This Article