ગુજરાતમાં એક તરફ વરસાદી માહોલ સર્જાયો છે. બુધવારે રાત્રે વરસાદે જોરદાર બેટિંગ કરી છે. ત્યારે બીજી તરફ ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું મતદાન શરુ થયું છે. આજે સવારે 7 વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલું રહેશે. બન્ને બેઠકના કુલ 5.50 લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
વિસાવદર બેઠક પર ભાજપના કિરીટભાઈ બાબભાઈ પટેલ, કોંગ્રેસના નિતિન રાણાપરિયા અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા ચૂંટણી મેદાનમાં છે. સૌરાષ્ટ્રમાં વિસાવદરની બેઠક ખુબ જ ચર્ચામાં છે. જ્યાં ત્રણેય પાર્ટીઓના પાટીદાર ઉમેદવારો વચ્ચે ત્રિકોણિય જંગ છે. 23 જૂને મત ગણતરી થશે.
3 વાગ્યા સુધીમાં વિસાવદરમાં 47.67 અને કડીમાં 46.33 ટકા મતદાન
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા કડી અને વિસાવદર પેટા ચૂંટણી મતદાનના આંકડા પ્રમાણ કડીમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 46.33 ટકા મતદાન થયું હતું. જ્યારે વિસાવદરમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 47.67 ટકા મતદાન નોંધાયું હતું.
12 વાગ્યે મતદાનમાં વધારો
વહેલી સવારથી કડી અને વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીનું મતદાન શરૂ છે. જોકે, સવારે મતદાનની ટકાવારી ઓછી હતી. ત્યારબાદ 10 વાગ્યા પછી મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 12 વાગ્યા સુધીમાં કડીમાં 25% અને વિસાવદરમાં 32% મતદાન નોંધાયું છે.
11 વાગ્યા સુધીમાં કેટલું મતદાન?
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા કડી અને વિસાવદર પેટા ચૂંટણી મતદાનના આંકડા પ્રમાણ કડીમાં સવારે 11 વાગ્યા સુધીમાં 28.85 ટકા મતદાન થયું હતું. જ્યારે વિસાવદરમાં સવારે 11 વાગ્યા સુધીમાં 28.15 ટકા મતદાન નોંધાયું હતું.
10 વાગ્યા સુધીમાં કેટલું મતદાન?
કડી અને વિસાવદર બેઠક પર વહેલી સવારથી જ મતદાન શરૂ થઈ ચુક્યું છે. સવારે 10 વાગ્યા સુધીમાં કડીમાં 13 ટકા અને વિસાવદમાં 15 ટકા મતદાન નોંધાયું છે. જોકે, મતદાન હાલ ધીમી ગતિએ જોવા મળી રહ્યું છે, જોકે, સાંજ સુધીમાં મતદાનની ટકાવારીમાં વધારો થઈ શકે છે.
મોબાઇલ ફોન માટે કરાઈ વ્યવસ્થા વિસાવદર અને કડી વિધાનસભા બેઠકમાં મતદારો વહેલી સવારથી મતદાન કરી રહ્યા છે. જોકે, વિપક્ષ દ્વારા અવાર-નવાર ચૂંટણીમાંં ગેરરીતિને લઈને ચૂંટણી પંચને ઘેરવામાં આવે છે, જેના માટે આ વખતે ચૂંટણી પંચે કોઈ પ્રશ્ન ઊભા ન થાય તે માટે વ્યવસ્થા કરી છે. ચૂંટણી પંચ દ્વારા કોઈપણ મતદારો મતદાન ક્ષેત્રમાં ફોન લઈને ન જાય તે માટે ફોન મૂકવાની વ્યવસ્થા કરી છે. જેના માટે ખાસ સ્ટાફ પણ ગોઠવવામાં આવ્યા છે, જે આ મોબાઇલ ફોનનું ધ્યાન રાખશે. આ વિશે માહિતી આપતા ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું કે, ‘હવે કોઈ બહાના નહીં ચાલે. અમે મતદાન મથકની બહાર મોબાઇલ ફોન મૂકવાની સુવિધા પૂરી પાડીએ છીએ. તેથી જાવ અને મતદાન કરો.’