Thursday, Oct 23, 2025

₹27,000 કરોડના સટ્ટાકાંડમાં ભૂચાળ! ત્રણ પૂર્વ ક્રિકેટર અને બે બોલિવૂડ સેલિબ્રિટી ઈડીના રડારમાં

2 Min Read

ઓનલાઇન બેટિંગ કેસમાં અનેક મોટા સેલેબ્સની પૂછપરછ કરવામાં આવી રહી છે. EDના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર્સ યુવરાજ સિંહ, હરભજન સિંહ અને સુરેશ રૈના સાથે ઈડીએ પૂછપરછ કરી હતી. આ સાથે જ બોલિવૂડ કલાકાર સોનુ સૂદ અને ઉર્વશી રૌતેલા સાથે પણ આ મામલે પૂછપરછ કરવામાં આવી રહી છે. ED દ્વારા હાલ આ સેલેબ્સની પૂછપરછનું કારણ એ છે કે, જે એપ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, તેનો પ્રચાર-પ્રસાર કેમ કરવામાં આવી રહ્યો છે? આ એપ્લિકેશનમાં વન બેટ, ફેયર પ્લે અને મહાદેવ ઓનલાઇન બેટિંગ પ્લેટફોર્મનો સમાવેશ થાય છે.

યુવરાજ, હરભજન, રૈનાની પૂછપરછ શા માટે કરવામાં આવી?
અહેવાલ મુજબ, 1xBet જેવા પ્રતિબંધિત પ્લેટફોર્મના પ્રમોશનમાં તેમની સંડોવણી બદલ ચાલુ તપાસના ભાગ રૂપે આ અને અન્ય સેલિબ્રિટીઓની પૂછપરછ કરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે આ પ્લેટફોર્મ ‘1xbet’ જેવા ‘પ્રતિનિધિ નામો’નો ઉપયોગ કરી રહ્યા હતા, જેમાં વેબ લિંક્સ (ઓનલાઇન સામગ્રી માટે) અને QR કોડનો સમાવેશ થતો હતો, જે વપરાશકર્તાઓને ગેરકાયદેસર સટ્ટાબાજી પ્લેટફોર્મ પર રીડાયરેક્ટ કરતા હતા, અને આ હાલના કાયદાઓનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.

EDએ જણાવ્યું હતું કે, આ પ્લેટફોર્મ્સ કૌશલ્ય-આધારિત રમતો હોસ્ટ કરવાનો દાવો કરતા હતા, પરંતુ તેઓએ રિગ્ડ અલ્ગોરિધમ્સનો ઉપયોગ કર્યો હતો, જે હાલના ભારતીય કાયદા હેઠળ જુગાર છે. ‘1xbet’ પ્લેટફોર્મની જાહેરાત યુવરાજ સિંહ, હરભજન સિંહ અને સુરેશ રૈના દ્વારા પણ કરવામાં આવી છે, ત્યારબાદ આ ત્રણ દિગ્ગજોની પણ પૂછપરછ કરવામાં આવી હતી.

મહાદેવ ઓનલાઈન બેટિંગ એપ સકંજામાં
નોંધનીય છે કે, એપ્રિલ મહિનામાં પણ મહાદેવ ઓનલાઇન બેટિંગ એપ કેસમાં EDએ મોટી કાર્યવાહી કરી હતી. ત્યારે ઈડીએ આ મામલે વિવિધ ઠેકાણે દરોડા પાડી 573 કરોડ રૂપિયાની સંપત્તિ ફ્રીઝ કરી હતી. મની લોન્ડરિંગ એક્ટ હેઠળ 16 એપ્રિલ 2025ના દિવસે દિલ્હી, મુંબઈ, ઈન્દોર, અમદાવાદ, ચંડીગઢ, ચેન્નઈ અને સંબલપુર (ઓડિશા)માં અનેક ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા હતા. આ તપાસ દરમિયાન EDએ 3.29 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી. આ સાથે જ 573 કરોડ રૂપિયાથી વધુની સિક્યોરિટીઝ, બોન્ડ અને ડિમેટ એકાઉન્ટ ફ્રીઝ કર્યા હતા. સાથે જ મોટી સંખ્યામાં વાંધાજનક દસ્તાવેજ અને ઇલેક્ટ્રોનિક્સ પુરાવા પણ મેળવ્યા હતા.

Share This Article