12 જૂનના રોજ અમદાવાદમાં એક ભયંકર પ્લેન ક્રેશની ઘટના બની હતી. એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું, જેમાં પાઇલટ સુમિત સભરવાલ સહિત 241 મુસાફરોનું મૃત્યુ નીપજ્યા હતા. કેપ્ટન સુમિત સભરવાલનો મૃતદેહ આજે તેમના પરિવારને સોંપવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. કેપ્ટન સુમિત સભરવાલના પિતા પુષ્કરરાજે મુંબઈના પવઈમાં તેમના ઘરની બહાર તેમના પુત્રને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ આપી હતી.
આજે મુંબઈના પવઈમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ A-171 ના પાયલોટ સુમિત સભરવાલના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મૃતકના પિતા પુષ્કરરાજે હાથ જોડીને પુત્રને અંતિમ વિદાય પાઠવી હતી. પુષ્કરરાજે પુત્રને જે રીતે વિદાય આપી તે જોઈને ઉપસ્થિત સૌ કોઈની આંખો આંસુથી છલકાઈ ગઈ હતી. પુષ્કરરાજ 88 વર્ષના છે. તેમના પુત્ર સુમિત સભરવાલની ઈચ્છા તેમના પિતાની સેવા કરવાની હતી. 88 વર્ષની જેફ વયે પુષ્કરરાજે તેમના જીવનનો સહારો ખોઈ બેસતો તેઓ રીતસરના ભાંગી પડ્યા હતા કારણ કે, સુમિત ઘણી વાર કહેતા હતા કે, હવે તેણે નિવૃત્તિ લઈને પિતાની સંભાળ રાખશે.
8,200 કલાકથી વધુ ફ્લાઈટ અવર્સનો અનુભવ
12મી જૂનના રોજ અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ A-171 ધડાકાભેર તૂટી પડી હતી. જેના પાયલોટ હતા સુમિત સભરવાલ. સુમિત સભરવાલ એક અત્યંત અનુભવી પાયલોટ હતા. તેમને 8,200 કલાકથી વધુ ફલાઈટ અવર્સનો અનુભવ હતો. એર ઈન્ડિયાનું વિમાન ટેક-ઓફ થયાના માત્ર 50 સેકન્ડ પછી આગનો ગોળો બની ગયું હતું. અંતિમ ક્ષણોમાં પાયલોટ સભરવાલે એટીસીને છેલ્લો સંદેશ મોકલ્યો હતો કે, મેડે, મેડે, મેડે… અમારુ વિમાન નીચે તરફ ધકેલાઈ રહ્યું છે. ત્યારબાદ વિમાનનો સંપર્ક તૂટી ગયો અને ડોક્ટર્સ હોસ્ટેલ સાથે અથડાતા વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું.