ઇઝરાયેલ-ઇરાન વચ્ચે ફરી ટેન્શનને લીધે બજારનું સેન્ટિમેન્ટ ખરાબ થયું હતું. જેથી સેન્સેક્સ અને નિફ્ટી 0.5 ટકાથી વધુ ઘટ્યા હતા. જોકે મિડકેપ, સ્મોલકેપમાં રિકવરી મળી હતી. નિફ્ટી બેન્કમાં આશરે એક ટકાનો ઘટાડો થયો હતો. FMCG. બેન્કિંગ, મેટલ શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. રોકાણકારો રૂ. 2.10 લાખ કરોડ ડૂબ્યા હતા.
ઇરાન-ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ શરૂ થતાં ક્રૂડ ઓઇલમાં વધારો થવાની ભીતિ પણ છે. બ્રેન્ટ ઓઇલની કિંમતોમાં 13 ટકાનો ઉછાળો આવતાં એનો ભાવ પ્રતિ બેરલ 75 ડોલરે પહોંચ્યો હતો. જેને પગલે ઓઇલ માર્કેટિંગ કંપનીઓના ભાવમાં વેચવાલી ફરી વળી હતી. ક્રૂડ ઓઇલમાં વધારો એ દેશની નાણાકીય ખાધ માટે સારા સમાચાર નથી, કેમ કે એમાં વધારો થવાની દહેશત છે. એ સાથે ફરી મોંઘવારીમાં પણ વધારો થવાની શક્યતા છે. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 573 પોઇન્ટ ઘટીને 81,118 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 170 પોઇન્ટ તૂટીને 24,718ના મથાળે બંધ થયો હતો.
BSE પર કુલ 4122 શેરોમાં કામકાજ થયાં હતાં. એમાં 1538 શેરો તેજી સાથે બંધ થયા હતા અને 2451 શેરોમાં ઘટાડો થયો હતો. આ સાથે 133 શેરો સપાટ બંધ થયા હતા. આ સિવાય 80 શેરોએ નવી 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 57 શેરોએ 52 સપ્તાહના નવા નીચલા સ્તરે સ્પર્શ્યા હતા. આ સાથે 211 શેરોમાં અપર સરકિટ લાગી હતી, જ્યારે 207 શેરોમાં લોઅર સરકિટ લાગી હતી.
આ શેરોમાં ઘટાડો થયો
સેન્સેક્સ પેકમાં, અદાણી પોર્ટ્સ, ITC, SBI, ઇન્ડસઇન્ડ બેંક, HDFC બેંક અને ટાઇટનના શેરમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો. આ ઉપરાંત, કોટક બેંક, રિલાયન્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, પાવરગ્રીડ, બજાજ ફિનસર્વ, ઝોમેટો, HUL, ICICI બેંક, એક્સિસ બેંક, લાર્સન એન્ડ ટુબ્રો, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, NTPC, બજાજ ફાઇનાન્સ, ઇન્ફોસિસ, નેસ્લે ઇન્ડિયા, HCL ટેક, એશિયન પેઇન્ટ્સ અને ભારતી એરટેલના શેર લાલ નિશાનમાં બંધ થયા. આ ઉપરાંત, ટેક મહિન્દ્રા, TCS, મારુતિ અને સંફાર્મા જેવા શેર લીલા નિશાનમાં બંધ થયા.
ક્ષેત્રીય સૂચકાંકોની સ્થિતિ
ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો, નિફ્ટી પીએસયુ બેંકમાં સૌથી મોટો ઘટાડો 1.18 ટકા નોંધાયો હતો. આ ઉપરાંત, નિફ્ટી એફએમસીજી 1.05 ટકા, નિફ્ટી ઓટો 0.36 ટકા, નિફ્ટી મેટલ 0.96 ટકા, નિફ્ટી ફાર્મા 0.23 ટકા, નિફ્ટી પ્રાઇવેટ બેંક 0.91 ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 0.70 ટકા, નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ 0.73 ટકા અને નિફ્ટી મિડસ્મોલ આઇટી એન્ડ ટેલિકોમ 0.43 ટકા ઘટ્યા હતા.