કેન્યામાં બસ અકસ્માતમાં ઓછામાં ઓછા 5 ભારતીય નાગરિકોના મોત થયા છે. આ લોકો કતારમાં રહેતા હતા અને રજાઓ ગાળવા કેન્યા ગયા હતા. દોહામાં ભારતીય દૂતાવાસે આ અકસ્માતની માહિતી આપી છે. દૂતાવાસે ‘X’ પર પોસ્ટ કર્યું હતું કે, “કતારથી 28 ભારતીયોનું એક જૂથ કેન્યાની યાત્રા પર હતું, જ્યાં તેઓ જે બસમાં મુસાફરી કરી રહ્યા હતા તે દુર્ભાગ્યે અકસ્માતનો ભોગ બની.” નૈરોબીમાં ભારતીય હાઈ કમિશનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને શક્ય તમામ મદદ પૂરી પાડી રહ્યા છે.
ભારતીય હાઈ કમિશન શક્ય તમામ મદદ કરી રહ્યું છે.
નૈરોબીમાં ભારતીય હાઈ કમિશને ‘X’ પર પોસ્ટ કર્યું, “ન્યાન્દારુઆ કાઉન્ટીના ઓલ જોરોરોક-નાકુરુ રોડ પર થયેલા દુ:ખદ માર્ગ અકસ્માતથી અમે ખૂબ જ દુઃખી છીએ, જેમાં 5 ભારતીય નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો.” હાઈ કમિશને કહ્યું, “શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. અમે ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરીએ છીએ. હાઈ કમિશનની કોન્સ્યુલર ટીમ ઘટનાસ્થળે છે અને તમામ જરૂરી સહાય પૂરી પાડવા માટે સ્થાનિક અધિકારીઓ સાથે નજીકના સંપર્કમાં છે.
બસ ખાડામાં પડી ગઈ
એક અહેવાલ મુજબ, ભારતીય પ્રવાસીઓ જે બસમાં મુસાફરી કરી રહ્યા હતા તે બસ ઉત્તરપૂર્વીય ન્યાન્દારુઆ કાઉન્ટીમાં નિયંત્રણ બહાર ગઈ અને ખાડામાં પડી ગઈ. અખબારે સમુદાયના સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે આ અકસ્માતમાં દક્ષિણ ભારતના ઓછામાં ઓછા પાંચ પ્રવાસીઓ માર્યા ગયા છે. મૃતકોની ઓળખ હજુ સુધી ચકાસવામાં આવી નથી, જ્યારે 27 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને કેન્યાની વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.