Wednesday, Nov 5, 2025

બસમાં નશાખોર યુવકનો આતંક! પેસેન્જરને ડ્રગ્સ બતાવ્યું, પોલીસ તંત્ર પર ઊભા થયા સવાલો

2 Min Read

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર દારૂનો ખુલ્લેઆમ વેપાર તો સામે આવે જ છે. પરંતુ, હવે તો યુવાધન ડ્રગ્સના રવાડે ચઢ્યું છે. દરિયાકિનારેથી લાખો અને કરોડોના જથ્થાની જપ્તી બાદપણ લોકો સુધી આ નશાકારક પદાર્થ પહોંચી રહ્યો છે. જોકે, હવે ડ્રગ્સ જેવા નશા પણ ખુલ્લેઆમ થવા લાગ્યા છે. સુરતમાંથી એક આવી જ ઘટના સામે આવી છે, જેમાં એક યુવક BRTS બસમાં પાકિટમાંથી ડ્રગ્સનું પેકેટ કાઢીને લોકોને બતાવે છે અને મુસાફરોને ધમકાવી રહ્યો છે.

શું છે ઘટના?
સુરત સિટી બસનો વાઇરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક ડ્રગ્સના નશામાં ધુત થઈને બસમાં ગાળો બોલી રહ્યો છે. બસમાં આસપાસ મહિલાઓ બેસી હોવા છતાં આ યુવક ગાળો બોલીને અન્ય મુસાફરને કહી રહ્યો છે કે આ સુરત છે, અહીંથી નીકળ. તારી ઓકાત નથી. આ દરમિયાન તે કહે છે, આ દોઢ લાખ રૂપિયાનો ફોન છે અને હું રોયલ કાઠિયાવાડી છું કહીને પર્સમાંથી રૂપિયા 5000ના ડ્રગ્સનું પેકેટ કાઢીને અન્ય પેસેન્જરને બતાવી રહ્યો છે.

વાઈરલ વીડિયો વિશે સુરત મહાનગરપાલિકાની પરિવહન સમિતિના ચેરમેન સોમનાથ મરાઠેએ કહ્યું કે, ‘આ વીડિયો અમારા ધ્યાનમાં આવ્યો છ, જે ખૂબ જ ગંભીર બાબત છે. અમે આ મામલે તપાસ શરૂ કરી છે. આવા મુસાફરો અન્ય મુસાફરો માટે જોખમી પુરવાર થઈ શકે છે. આ મામલે બસ ડ્રાઇવર અને કંડક્ટર સાથે વાત કર્યા બાદ અમે પોલીસ કાર્યવાહી પણ કરીશું.’

પોલીસ સામે પણ અનેક સવાલો
તમે દરરોજ જોતાં હશો કે, પોલીસ નશા મુક્ત ગુજરાતની વાતો કરી દરરોજ દારૂની એકાદ-બે બોટલ સાથે ઇસમોને પકડી કાર્યવાહી કરી ફોટોશૂટ કરાવતી હોય છે. આ સાથે પોલીસ તેમના ઓફિશિયલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંતે પોસ્ટ મૂકી કાર્યવાહી કરતી હોવાનું કહે છે. આ તરફ આપણાં દરિયાકાંઠે પણ અનેક વાર ડ્રગ્સ પકડાઈ ચૂક્યું છે. ડાયમંડ નગરી ગણાતી સુરત રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીનો વિસ્તાર છે તેવામાં અહીં ડ્રગ્સનું સેવન કરી બસમાં હોબાળો કરતો ઈસમ એ સાબિત કરે છે કે, તેને પોલીસનો કોઈ ડર નથી. હવે પોલીસ સામે પણ સવાલ થાય છે કે, પોલીસની જાણ બહાર આવા ઇસમો પાસે નશાકારક ડ્રગ્સ આવે છે ક્યાંથી ?

Share This Article