Tuesday, Oct 28, 2025

વલસાડ-ગોધરાના રેન્જ ફોરેસ્ટ ઓફિસરની પાણીચું

2 Min Read

ગુજરાતના સરકારી બાબુઓમાં ખળભળાટ મચાવતો એક સનસનાટીપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે! રાજ્યના વન અને પર્યાવરણ વિભાગે બે પરિક્ષેત્ર વન અધિકારી (રેન્જ ફોરેસ્ટ ઓફિસર), વર્ગ-ર ને અચાનક સરકારી સેવામાંથી છૂટા કરી દેવાનો આદેશ કર્યો છે. આ અધિકારીઓ આકાશ જિતેન્દ્રભાઈ પડશાલા (વલસાડ) અને વિજય શંકરલાલ ચાવડા (ગોધરા) છે. જેમની અજમાયશી સેવાઓ ‘સંતોષકારક ન જણાતા આ કડક પગલું ભરવામાં આવ્યું છે. આ ઘટનાએ સરકારી વર્તુળોમાં કામ નહીં કરો તો નોકરી નહીં’ નો કડક સંદેશ આપ્યો છે!

વલસાડના ‘આકાશ’ પર તવાઈ:
વલસાડ (ઉત્તર) વન વિભાગની ચીખલી રેન્જમાં ફરજ બજાવતા આકાશ જિતેન્દ્રભાઈ પડશાલાની વાર્ષિક ગુમ રિપોર્ટ્સ (ACR) માં ‘પ્રતિકૂળ નોંધ સામે આવતા તેમની નોકરી પર તવાઈ આવી છે. ૨૦૧૬માં GPSC મારફત પરિક્ષેત્ર વન અધિકારી તરીકે નિમણૂક પામેલા પડશાલાના 2018-19 અને 2021-22 ના વાર્ષિક મૂલ્યાંકન અહેવાલોમાં ‘વિરુદ્ધ નોંધ’ હતી. એટલું જ નહીં, તેમની સામે કેટલીક ‘ગુપ્ત’ તપાસ પણ ચાલતી હતી. આ તમામ વિગતોને ધ્યાનમાં લઈને, રાજ્યપાલના આદેશથી તેમની અજમાયશી સેવાઓ તાત્કાલિક અસરથી સમાપ્ત કરી દેવામાં આવી છે.

ગોધરાના ‘વિજય’ પણ છૂટા:
આકાશ પડશાલાની જેમ જ ગોધરા રેન્જમાં રીસર્ચ કમ ડેમોમાં ફરજ બજાવતા વિજય શંકરલાલ ચાવડાને પણ સરકારી સેવામાંથી છૂટા કરવામાં આવ્યા છે. 2016માં નિમણૂક પામેલા ચાવડાના 2019-20 ના વાર્ષિક મૂલ્યાંકન અહેવાલમાં પણ ‘પ્રતિકૂળ નોંધ’ હતી. તેમની સામે ચાલતી તપાસના અહેવાલો અને ACR ની વિગતોને આધારે, સામાન્ય વહીવટ વિભાગના નિયમો મુજબ, રાજ્યપાલના હુકમથી તેમની અજમાયશી સેવાઓ પણ તાત્કાલિક અસરથી સમાપ્ત કરી દેવામાં આવી છે.

Share This Article