ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) કાનપુર દ્વારા સોમવારે (2 જૂન, 2025) ના રોજ જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (JEE) એડવાન્સ્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. પરીક્ષામાં બેઠેલા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર લોગઈન માટે વિગતો એન્ટર કરીને તેનું રિઝલ્ટ ચેક કરી શકે છે. આ સાથે, ફાઈનલ આન્સર કી પણ બહાર પાડવામાં આવી છે. આ પરીક્ષા દેશભરના IIT માં અંડરગ્રેજ્યુએટ એન્જિનિયરિંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવામાં આવી હતી.
ઓલ ઇન્ડિયા રેન્કમાં 100માંથી 7 વિદ્યાર્થી ગુજરાતના
- મોહિતઃ ઓલ ઇન્ડિયા રેન્કમાં 12મા ક્રમે, અમદાવાદ
- અગમ શાહઃ ઓલ ઇન્ડિયા રેન્કમાં 17મા ક્રમે, સુરત
- મનન પટેલઃ ઓલ ઇન્ડિયા રેન્કમાં 43મા ક્રમે, અમદાવાદ
- ઋષભ: ઓલ ઇન્ડિયા રેન્કમાં 48મા ક્રમે
- શિવેન: ઓલ ઇન્ડિયા રેન્કમાં 58મા ક્રમે
- કલ્પ શાહ: ઓલ ઇન્ડિયા રેન્કમાં 86મા ક્રમે
- આદિત ભગાડે: ઓલ ઇન્ડિયા રેન્કમાં 94મા ક્રમે, વડોદરા
JEE એડવાન્સમાં સુરતના 7 વિદ્યાર્થીએ શહેર ટોપર્સમાં સ્થાન મેળવ્યું છે, જેમાં આગમ શાહ ઓલ ઇન્ડિયા રેન્કમાં 17મા ક્રમ સાથે સુરત સિટી ટોપર બન્યો છે. કલ્પ શાહ ઓલ ઇન્ડિયા રેન્કમાં 86મા ક્રમ સાથે બીજા ક્રમે, મોક્ષ ભટ્ટ ઓલ ઇન્ડિયા રેન્કમાં 219મા ક્રમ સાથે ત્રીજા ક્રમે, કનિષ્કસિંહ ઓલ ઇન્ડિયા રેન્કમાં 294મા ક્રમ સાથે ચોથા ક્રમે, હિતાંશ ગાંધી ઓલ ઇન્ડિયા રેન્કમાં 360મા ક્રમ સાથે પાંચમા ક્રમે, વિશ્વ પંડ્યા ઓલ ઇન્ડિયા રેન્કમાં 375મા ક્રમ સાથે છઠ્ઠા ક્રમે અને યશ કોઠારી ઓલ ઇન્ડિયા રેન્કમાં 418મા ક્રમ સાથે સુરત સિટીમાં સાતમા ક્રમે સ્થાન મેળવ્યું છે. તો વડોદરાના આદિત ભગાડેએ ઓલ ઇન્ડિયા રેન્કમાં 94મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. આદિતનાં માતા-પિતા ડોક્ટર છે.
હવે આગળ શું?
JEE એડવાન્સ્ડ 2025 માં લાયકાત ધરાવતા ઉમેદવારો હવે IIT, NIT, IIIT અને અન્ય સરકારી ભંડોળ પ્રાપ્ત ટેકનિકલ સંસ્થાઓ સહિતની અગ્રણી એન્જિનિયરિંગ સંસ્થાઓમાં પ્રવેશ માટે JoSAA 2025 કાઉન્સેલિંગ પ્રક્રિયામાં ભાગ લેશે. JoSAA દ્વારા શૈક્ષણિક કાર્યક્રમો માટે રજીસ્ટ્રેશન અને ઓપ્શન ભરવાનું 3 જૂન, 2025 થી શરૂ થશે. ઉમેદવારોને અપડેટ્સ, વિગતવાર માર્ગદર્શિકા અને કાઉન્સેલિંગ શેડ્યૂલ માટે નિયમિતપણે JoSAA ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે.
JEE એડવાન્સ્ડ શું છે?
JEE એડવાન્સ્ડ એ ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (IITs) માં અંડરગ્રેજ્યુએટ એન્જિનિયરિંગ કાર્યક્રમોમાં પ્રવેશ માટે વાર્ષિક ધોરણે લેવામાં આવતી રાષ્ટ્રીય સ્તરની એન્ટ્રન્સ એક્ઝામ છે. તેને ભારતમાં સૌથી પડકારજનક એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષાઓમાંની એક માનવામાં આવે છે. જે ઉમેદવારો JEE મુખ્ય પરીક્ષા પાસ કરે છે અને ટોચના પ્રદર્શનકારોમાં સ્થાન મેળવે છે તેઓ જ JEE એડવાન્સ્ડમાં બેસવા માટે લાયક હોય છે. આ પરીક્ષા બે પેપર દ્વારા ઉમેદવારની ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિતની સમજનું પરીક્ષણ કરે છે. JEE એડવાન્સ્ડમાં મેળવેલા સ્કોર્સનો ઉપયોગ ફક્ત 23 IIT માં પ્રવેશ માટે જ થતો નથી પરંતુ IISc બેંગ્લોર, IISER, IIST અને RGIPT જેવી કેટલીક અન્ય પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા પસંદગીના અભ્યાસક્રમો માટે પણ ધ્યાનમાં લેવામાં આવે છે.