સુરત શહેરમાં ઉદ્યોગ વિસ્તારો હવે અનૈતિક પ્રવૃત્તિઓ માટે પણ એક ઠેકાણું બની રહ્યા છે. વરાછા વિસ્તારમાં આવેલ ઘનશ્યામ નગર વિસ્તારમાં આવેલી એક એમ્બ્રોઈડરી યુનિટમાં બુધવારે પોલીસે પડ્યો માર્યો અને એક મોટો ગોરખધંધો ઝડપાયો છે. વરાછા પોલીસની ટીમે ગુપ્ત માહિતીના આધારે દરોડા દરમ્યાન દેહવ્યાપારના ગેરકાયદેસર ધંધાની હકીકત જાહેર કરી હતી.
પોલીસે ઘટનાસ્થળેથી ત્રણ મહિલાઓને દેહવ્યાપારમાં સંકળાયેલી હાલતમાં પકડી હતી, જ્યારે સ્થળ પર હાજર છ ગ્રાહકોને પણ ડિટેન કરવામાં આવ્યા હતા. આ યુનિટ બહારથી એમ્બ્રોઈડરીના કામ માટે ઓળખાતું હતું, પણ અંદર ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓએ વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધો છે.
વરાછા વિસ્તારમાં આવેલ ઘનશ્યામ નગર હાલમાં ઉદ્યોગ ક્ષેત્ર તરીકે વિકસતું જઈ રહ્યું છે. અહીં એમ્બ્રોઈડરીના અનેક યુનિટ્સ સાથે રહેવા માટેના રેસિડેન્સ પણ છે. ઉદ્યોગ વિસ્તાર તરીકે ઓળખાતો આ વિસ્તાર હવે અનૈતિક પ્રવૃત્તિઓ માટે પણ ઉપયોગમાં લેવાઈ રહ્યો હોવાના આ નોંધપાત્ર કિસ્સા સામે આવ્યા છે. વરાછા પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે અને સમગ્ર કેસમાં વધુ તપાસ ચાલુ છે. જેથી સમગ્ર રેકેટનો પર્દાફાશ થઈ શકે.