આઈપીએલ સિઝનના નવોદિત સુપરસ્ટાર ક્રિકેટર તરીકે વૈભવ સૂર્યવંશીનું નામ લેવાય છે. નાની ઉંમરમાં આક્રમક બેટિંગ કરીને ભલભલા સિનિયર ક્રિકેટરને આશ્ચર્યમાં નાખનારા વૈભવ સૂર્યવંશીની અહીંના એરપોર્ટ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે અચાનક મુલાકાત થઈ. આ મુલાકાત તો આકસ્મિક હોઈ શકે છે, પરંતુ એના અંગે સોશિયલ મીડિયા પર લોકોમાં કૌતુક જાગ્યું હતું.
આઈપીએલની 18મી સિઝનમાં બેટથી ધૂમ મચાવનાર બિહારના યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશી સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ મુલાકાત કરી હતી. આ મુલાકાતની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. વડાપ્રધાન મોદીએ પણ યુવા ખેલાડી સાથેની આ મુલાકાતની કેટલીક તસવીરો પોતાના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર શેર કરી છે, જેમાં તેઓ યુવા ખેલાડીનો હાથ પકડીને દેખાઈ રહ્યા છે. આ દરમિયાન તેમણે વૈભવને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પણ આપી હતી.
એક્સ પર યુવા બેટ્સમેન સાથેની તસવીરો શેર કરતાં વડાપ્રધાન મોદીએ કેપ્શનમાં લખ્યું છે, “પટના એરપોર્ટ પર યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશી અને તેના પરિવાર સાથે મુલાકાત થઈ. તેની ક્રિકેટ કૌશલ્યની આખા દેશમાં પ્રશંસા થઈ રહી છે! તેના ભવિષ્યના પ્રયાસો માટે મારી તરફથી શુભકામનાઓ.” વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વૈભવની આ મુલાકાત દરમિયાન તેના પિતા સંજીવ સૂર્યવંશી પણ ઉપસ્થિત હતા. એ વાત સૌ જાણે છે કે, વૈભવ આજે જે કંઈ છે તેની પાછળ તેના પિતાની સખત મહેનત તથા પ્રયાસોનો મોટો ફાળો છે. વૈભવે પોતે જાહેરમાં ઘણીવાર આ વાતનો ઉલ્લેખ કરેલો છે.
14 વર્ષના વૈભવે આ વખતે રાજસ્થાન રોયલ્સ વતી શાનદાર પ્રદર્શન કર્યું હતું. વૈભવે ગુજરાત ટાઈટન્સ (જીટી) સામે આક્રમક બેટિંગ કરીને તબાહી મચાવી હતી. વૈભવ સૂર્યવંશીએ ગુજરાત સામેની મેચમાં 35 બોલમાં સેન્ચુરી ફટકારી હતી, જે ભારતનો સૌથી ફાસ્ટ સેન્ચુરી ફટકાનાર બેટરનો રેકોર્ડ બનાવ્યો હતો. વૈભવ સૂર્યવંશીએ આઈપીએલની વર્તમાન સિઝનમાં કુલ સાત મેચ રમ્યો છે, જેમાં 252 રન બનાવ્યા હતા. એવરેજ 36.00થી બેટિંગ કરી છે, જ્યારે સ્ટ્રાઈક રેટ 206.55ની સ્ટ્રાઈક રહી હતી. કુલ 122 બોલમાં 18 ચોગ્ગા અને 24 સિક્સર ફટકારી હતી.