સુરત શહેરના વેડ રોડ વિસ્તારમાં રહેતા બિહારની 25 વર્ષીય યુવતી સાથે ઇન્સ્ટાગ્રામ થકી મિત્રતા કેળવ્યા બાદ ડુમ્મસ બીચ ઉપર ફરવાના બહાને કારમાં ઓલપાડના ડભારી બીચ ખાતે લઇ જઇ કોલ્ડ્રીંકસમાં ઘેની પદાર્થ પીવડાવી અર્ધબેભાન હાલતમાં જહાંગીરપુરા વિસ્તારની ઓયો ગ્રીન હોટલમાં લઇ જઇ અર્ધબેભાન હાલતમાં એક પછી એક દુષ્કર્મ કરનાર વોર્ડ નં. 8 ના ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ અને મહામંત્રી એવા આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્ર વિરૂધ્ધ જહાંગીરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો હતો.
પોલીસે આજે બન્ને આરોપીને કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના રિમાન્ડ માગ્યા હતાં. જો કે કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. બીજી તરફ પોલીસે ભાજપના મહામંત્રી આદિત્યના ગેરકાયદેસર નોનવેજનો ઢાબો અને ગેરકાયદેસર દબાણો દૂર કર્યો હતો.
શું છે મામલો ? ભાજપના વોર્ડનો મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય 23 વર્ષીય યુવતીને માદક પીણું પીવડાવી અર્ધબેભાન હાલતમાં કારમાં જહાંગીરપુરાની એક હોટલમાં લઈ ગયો હતો. અહીં પહેલેથી આદિત્યનો મિત્ર ગૌરવસિંહ રાજપૂત હાજર હતો. બાદમાં બન્નેએ યુવતી પર વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. ભાનમાં આવ્યા બાદ યુવતીએ તરત પોલીસનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી.
યુવતીને સોશિયલ મીડિયાથી ફસાવી
વેડ રોડ સ્થિત સરદાર પટેલ હોસ્પિટલ વિસ્તારમાં રહેતી મૂળ બિહારની વતની 25 વર્ષીય અવનીસિંહ (નામ બદલ્યું છે) ઘર નજીક માર્કેટમાં આવ-જા કરતી ત્યારે નજીકમાં રહેતા ગૌરવ સિંહને જોવાથી ઓળખતી હતી. પરંતુ ગૌરવે ઇન્સ્ટાગ્રામ ઉપર મોકલાવેલી રીકવેસ્ટ એક્સેપ્ટ કરતા તેની સાથે ચેટ કરતી હતી. દરમિયાનમાં ગત 4 મે ના રોજ માતા-પિતા અને નાનો ભાઇ અને બે બહેન વતન લગ્નપ્રસંગામાં ગયા હતા ત્યારે 7 મે ના રોજ આદિત્ય ઉપાધ્યાયની ઇન્સ્ટાગ્રામ ઉપર આવેલી રીકવેસ્ટ એક્સેપ્ટ કરી હતી. બંને સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર ચેટ દરમિયાન અવનીએ મેરે મમ્મી-પાપા શાદીમેં બિહાર ગયે હે એમ કહ્યું હતું. આ તકનો લાભ ઉઠાવી 16 મેની રાતે આદિત્ય અને ગૌરવે ફોન કરી ચલિયે હમ ડુમ્મસ ઘુમને જાતે હે એવું કહ્યું હતું.