ગુજરાતમાં એક તરફ અનેક જીલ્લાઓમાં ગરમીનો પારો વધી રહ્યો છે. તો બીજી તરફ અનેક જીલ્લાઓમાં છુટોછવાયો કમોસમી વરસાદ પણ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં આગામી પાંચ દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જે અંતર્ગત દક્ષિણ ગુજરાત, ઉત્તર પૂર્વીય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા બે દિવસથી, આજે એટલે કે 16 મેના રોજ, દક્ષિણ પશ્ચિમ ચોમાસું બંગાળની ખાડીમાં આંદામાન સમુદ્રના કેટલાક વિસ્તારોમાં પહોંચી ગયું છે.ગુજરાતમાં 10 થી 15 જૂનની વચ્ચે ચોમાસા બેસી શકે છે. બંગાળની ખાડીના દક્ષિણ અને પૂર્વ ભાગોમાં ક્રોસ ઇક્વેટોરિયલ ફ્લો તીવ્ર બનવાની સંભાવના છે. આંદામાનમાં તો ચોમાસું પ્રવેશી પણ ચુક્યુ છે. દક્ષિણપશ્ચિમ ચોમાસુ દક્ષિણ આંદામાન સમુદ્ર અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં પ્રવેશી ગયું છે. આ ચોમાસાનો પ્રવાહ લગભગ એક અઠવાડિયા પહેલા આ વિસ્તારમાં પહોંચ્યો હતો.
આગામી 3-4 દિવસ સુધી દક્ષિણ અને ઉત્તર આંદામાન સમુદ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર ગુજરાત સહિત ભારતના મોટા ભાગના વિસ્તારોમાં આ વર્ષે સામાન્ય કરતાં વધારે વરસાદ રહેશે. દેશમાં આ વર્ષે 105 ટકા વરસાદ થવાની આશા છે. જેનાથી ખેતીને પણ સારી આશા છે. જો કે આ વર્ષે ભારે વરસાદ માટે તૈયાર રહેવા હવામાન વિભાગે જણાવ્યું છે. ચોમાસા પહેલા જ પ્રિ મોન્સુનમાં ગુજરાતમાં લગભગ 1.25 ઈંચ વરસાદ પડી ચૂક્યો છે. 20 જૂને ચોમાસુ મધ્યપ્રદેશના ઉપરના વિસ્તારો, ગુજરાતમાં અરબી સમુદ્રને અડીને આવેલા વિસ્તારો અને ઉત્તર પ્રદેશના પૂર્વાંચલમાં પણ પહોંચી શકે છે. ચોમાસુ દેશના ઉત્તરપશ્ચિમ ભાગમાં સૌથી છેલ્લે પહોંચે છે. આ વખતે, ચોમાસુ 25 જૂનથી 2 જુલાઈ સુધી ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, દિલ્હી, હિમાચલ મધ્ય, જમ્મુ અને કાશ્મીરને આવરી લે તેવી અપેક્ષા છે.