ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ થવા છતાં ભારતની સિક્યોરિટી એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. દેશમાં વધુ આતંકવાદી પ્રવૃતિઓની આશંકા છે. એવામાં પાકિસ્તાનને ડિપ્લોમેટિક ક્ષેત્રે પરાસ્ત કરવામાં મહત્વની ભૂમિકા ભજનાર ભારતના વિદેશ પ્રધાન પ્રધાન ડૉ. એસ. જયશંકરની સુરક્ષા વધારવામાં આવી છે,
અહેવાલ મુજબ તેમને બુલેટપ્રૂફ કાર આપવામાં આવી છે. દિલ્હીમાં તેમના નિવાસસ્થાનની આસપાસ પણ સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. નોંધનીય છે કે જયશંકરને પહેલાથી જ Z-કેટેગરી સિક્યોરિટી આપવામાં આવી છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) કમાન્ડો તેમને સતત સુરક્ષા પૂરી પાડે છે, 33 કમાન્ડોની ટીમ ચોવીસ કલાક તૈનાત રહે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાએ રવિવારે વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠકમાં નેતાઓની સુરક્ષાની સમીક્ષા કરી હતી. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે વિદેશ સચિવ વિક્રમ મિશ્રી, દિલ્હીના મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા અને લગભગ 25 અગ્રણી ભાજપના નેતાઓની સુરક્ષાની પણ સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં કેન્દ્રીય પ્રધાન જેપી નડ્ડા, ભૂપેન્દ્ર યાદવ, સાંસદ નિશિકાંત દુબે, સુધાંશુ ત્રિવેદી અને વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીનો સમાવેશ થાય છે.