પહલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલી તંગદિલી વચ્ચે ભારત સરકાર દેશવ્યાપી ડિફેન્સ મોક ડ્રિલ કરવા જઈ રહી છે. સાત મેના રોજ ગુજરાત, દિલ્હી, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ સહિત તમામ રાજ્યોમાં આ મોક ડ્રીલનું આયોજન કરાશે. જેના માટે ત્રણ કેટેગરીમાં 259 સ્થળોને પસંદ કરવામાં આવ્યા છે.
ગુજરાતના 15 જિલ્લામાં આવતીકાલે મોકડ્રીલનું આયોજન કરવામાં આવશે. તે સિવાય દેશના 224 જિલ્લામાં આવતીકાલે મોકડ્રીલનું આયોજન કરાશે. કેન્દ્રીય ગૃહ સચિવની આજે તમામ રાજ્યના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ગાંધીનગરથી મુખ્ય સચિવ સહિતના અધિકારીઓ બેઠકમાં સામેલ થશે.
ગુજરાતમાં કુલ 19 સ્થળે આ મોક ડ્રીલ યોજાશે. જેમાં પહેલી કેટેગરીમાં સુરત, વડોદરા, કાકરાપાર, બીજી કેટેગરીમાં અમદાવાદ, ભૂજ, જામનગર, ગાંધીનગર, ભાવનગર, કંડલા, નલિયા, અંક્લેશ્વર, ઓખા, વાડિનાર અને ત્રીજી કેટેગરીમાં ભરૂચ, ડાંગ, કચ્છ, મહેસાણા, નર્મદા, અને નવસારી જિલ્લો સમાવિષ્ટ છે.
ગૃહ મંત્રાલયે રાજ્યોને હવાઈ હુમલાના ચેતવણીના સાયરન લગાવવા માટે પણ સૂચના આપી છે. નાગરિક સંરક્ષણ વિભાગને એવી તાલીમ આપવા માટે જણાવાયું છે કે હવાઈ હુમલાના સાયરન વાગવાની સ્થિતિમાં વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો પોતાનું રક્ષણ કેવી રીતે કરી શકે અને સુરક્ષિત સ્થળે આશ્રય લઈ શકે છે. સામાન્ય નાગરિકો, વિદ્યાર્થીઓ વગેરેને કોઈપણ પ્રકારનો હુમલો થાય તો પોતાનું રક્ષણ કેવી રીતે કરવું તેની તાલીમ આપવામાં આવશે. ‘બ્લેકઆઉટ’ની વ્યવસ્થા કરવામાં આવશે. આનો અર્થ એ છે કે જરૂર પડે ત્યારે વીજળી બંધ કરવી જોઈએ જેથી દુશ્મન કોઈ લક્ષ્ય જોઈ ન શકે.