સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા-અંબાજી રોડ પર હિંગટીયા પાસે શનિવારે બપોરે ત્રિપલ અકસ્માત સર્જાયો છે. અંબાજી-વડોદરા રૂટની એસટી બસ, એક જીપ અને બાઈક વચ્ચે થયેલા આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે. જ્યારે છ લોકો ઘાયલ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં ખેડબ્રહ્મા પોલીસ હોસ્પિટલ પહોંચી છે.
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, ત્રણેય વાહન વચ્ચે કોઈ અગમ્ય કારણોસર અથડામણ થઈ હતી, જેના પરિણામે આ મોટી દુર્ઘટના સર્જાઇ હતી. ખેરોજ પોલીસે અકસ્માત સ્થળ પર ટ્રાફિકને પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરી છે, કારણ કે અકસ્માતના કારણે રોડ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.
ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ખેડબ્રહ્માની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પી.આઈ પણ પોતાના સ્ટાફ સાથે સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતા અને ઈજાગ્રસ્તોની સારવાર અંગે માહિતી મેળવી હતી.