સુરતના રાંદેર ઝોનમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. પરંતુ પાલનપોર વિસ્તારમાં ગૌરવ પથ પર આવેલા મેટ્રો કંપનીના સિમેન્ટ પ્લાન્ટને કારણે સ્થાનિક નાગરિકોને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પ્લાન્ટમાં મટીરીયલ તૈયાર કરતી વખતે ઉડતી સિમેન્ટના ધૂળકણો આસપાસના વિસ્તારોમાં ફેલાઈ રહી છે, જેના કારણે રહેવાસીઓમાં શરદી, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ જેવી તકલીફો વધી રહી છે.
જેમ જેમ મેટ્રોનું કામ વધી રહ્યું છે, તેમ તેમ ટ્રાફિકની સમસ્યા અને રસ્તાઓ બંધ થવાને કારણે લોકોમાં તણાવ વધ્યો છે. આ સાથે હવે ઉડતી સિમેન્ટના કારણે લોકોના સ્વાસ્થ્ય સામે પણ ગંભીર ખતરો ઊભો થયો છે. સ્થાનિક નાગરિકો દ્વારા અગાઉ પણ સુરત મહાનગરપાલિકા પાસે અનેક ફરિયાદો કરવામાં આવી હતી, પરંતુ કોઇ અસરકારક પગલાં લેવામાં આવ્યા નહિં.
આ અંગે જાગૃત નાગરિક પર્યાવરણ પ્રેમીએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ફરિયાદ કરી છે. આ ફરિયાદમાં જણાવ્યું છે કે, આ પ્લાન્ટમાં મટીરીયલ તૈયાર કરતા હોય તે સમયે સિમેન્ટ નાખવામાં આવે છે જેની ડમરીઓ ઊડીને સ્થાનિક પ્રજાજનોના સ્વાસ્થ્યને નુકસાન થઈ રહ્યું છે આજુબાજુના સ્થાનિક રહેવાસીઓ હેરાન પરેશાન થઈ ગયા છે. શરદી, ખાંસી, શ્વાસની તકલીફ સ્થાનિક રહેવાસીઓમાં આવી ગયા છે. આ અંગે અનેક ફરિયાદ પાલિકાને થઈ હોવા છતાં પણ કોઈ પરિણામ ન આવતા મુખ્યમંત્રીને ફરિયાદ કરવામાં આવી છે. મુખ્યમંત્રીને ફરિયાદ બાદ આ સમસ્યાનો નિકાલ થાય છે કે નહી તે સમય જ બતાવશે.