પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે ગુજરાત સ્થાપના દિવસ પર ઈન્ડિયન નેવીનું INS સુરત યુદ્ધ જહાજ સુરતના હજીરા પોર્ટ પર પહોંચ્યું હતું. INS સુરતને હજીરામાં તૈનાત કરવામાં આવી શકે છે. INS સુરત 7 હજાર 400 ટન વજનનું છે. INS સુરતની લંબાઈ 164 મીટર છે. તે 60 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.
INS સુરત અત્યાધુનિક સુરક્ષાથી સજ્જ છે. દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની વિનંતી પર નેવીએ INS સુરત મોકલ્યું છે. INS સુરત કેરિયર ટાસ્ક ફોર્સ, સરફેસ એકશન ગ્રુપ્સ, સર્ચ એન્ડ એટેક યુનિટ્સ તરીકે કામ કરી શકે છે.
INS સુરત પરથી બરાક-8, બ્રહ્મોસ મિસાઈલથી હુમલો કરી શકાય છે. એન્ટી સબમરીન રોકેટ વોર ફેર માટે 533 મિમી 4 ટોરપીડો ટ્યુબ્સ તૈનાત કરી શકાય છે. એન્ટી સબમરીન રોકેટ લોન્ચર, તોપ સહિતના હથિયારો પણ તેમાં તૈનાત કરવામાં આવ્યા છે. 2 RBU-6000 એન્ટી સબમરીન રોકેટ લોન્ચર્સ પણ તેના પર તૈનાત છે. જહાજ પર ચાર ઈન્ટરસેપ્ટર બોટની સાથે 50 અધિકારી, 250 નૌસૈનિક રહી શકે છે. યુદ્ધ જહાજ દરિયામાં 45 દિવસ સુધી રહી શકે છે.
જળશક્તિ મંત્રી સીઆર પાટીલ INS સુરતને આવકારશે. રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયા, સાંસદ મુકેશ દલાલ પણ ઉપસ્થિત રહેશે. ગુજરાતના સ્થાપના દિવસે INS સુરત પહોંચી રહ્યું છે. સુરત દેશનું એક માત્ર શહેર છે જેનું નામ ઈન્ડિયન નેવીના શીપને અપાયું છે. સાઉથ ગુજરાત ઓફ કોમર્સની વિનંતીને ધ્યાને રાખી જહાજને સુરત લાવવામાં આવ્યું છે.
નોંધનીય છે કે સ્વદેશમાં નિર્મિત ‘આઇએનએસ સુરત’ દ્વારા અરબી સમુદ્રની સપાટીથી હવામાં ઝડપથી ઉડતા ટાર્ગેટને તોડી પાડવાની ક્ષમતાઓનું પરીક્ષણ કર્યું હતું. ભારતીય નેવીના ડિસ્ટ્રોયરે સેમ (સરફેસ ટુ એર) મિસાઇલથી લક્ષ્યને વિંધવાનું સફળ પરિક્ષણ પાર પાડયું હતું.
મુંબઈના મઝગાંવ ડોકમાં બંધાયેલું આઇએનએસ સુરત નોકાદળનું સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલથી સજ્જ ડિસ્ટ્રોયર શિપ છે. ચાર મહિના પહેલાં જ નેવીના કાફલામાં સામેલ કરવામાં આવેલું આ યુદ્ધ જહાજ દુશ્મન દેશના કોઈ પણ પડકારને પહોંચી વળવા માટે અત્યાધુનિક ટેકનિક અને મિસાઇલોથી સજ્જ છે.