સુરતમાં ઓપરેશન બાંગ્લાદેશ અંતર્ગત ઝડપાયેલા 150 શંકાસ્પદમાંથી 100થી વધુ બાંગ્લાદેશી હોવાનો ઘટસ્ફોટ થયો છે, જેમાં 45થી વધુ મહિલાઓ છે તથા 50 લોકોના મોબાઇલમાંથી બાંગ્લાદેશનાં નંબર-ચેટ પણ મળ્યાં છે. સુરત પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓના જોઇન્ટ ઇન્ટ્રોગેશનમાં આ ઘટસ્ફોટ થયો છે. ઝડપાયેલા બાંગ્લાદેશીઓ એજન્ટની મદદથી ભારતની સરહદ ક્રોસ કરીને ગેરકાયદે રીતે ભારતમાં ઘૂસ્યા હતા. તેઓ સુરત શહેરમાં વિવિધ ભાગોમાં છુપાઈને રહેતા હતા.
પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે ઓપરેશન દરમિયાન અન્ય 50 શંકાસ્પદ લોકોના મોબાઇલમાંથી પણ બાંગ્લાદેશના નંબર અને ચેટ મળ્યાં છે, જેના કારણે તેમના વિરુદ્ધ પણ વધુ તપાસ ચાલી રહી છે. સુરત પોલીસ, એરફોર્સ, બીએસએફ, નેવી અને સ્ટેટ તથા સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યૂરો (આઇબી) સાથે મળીને એક જોઇન્ટ ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું હતું, જેમાં દરેક શંકાસ્પદ વ્યક્તિની ઊંડી પૂછપરછ કરવામાં આવી હતી.
હાલમાં તમામ ઝડપાયેલા બાંગ્લાદેશીઓને સુરતના ભિક્ષુક ગૃહમાં રાખવામાં આવ્યા છે. અહીં દરેકની ઓળખ પુષ્ટિ કરવા માટે તમામ દસ્તાવેજોની તપાસ કરાઈ રહી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારની સૂચનાથી હવે તમામ તપાસની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે અને એજન્સીઓએ પોતાનો રિપોર્ટ તૈયાર કરી કેન્દ્ર અને રાજ્ય સરકારને સબ્મિટ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.
સુરતના ઈતિહાસનું સૌથી મોટું ઓપરેશન
સુરતના ઈતિહાસમાં આ અત્યારસુધીનું સૌથી મોટું બાંગ્લાદેશી ઘૂસણખોરોનું કાવતરું સામે આવ્યું છે, જેમાં એકસાથે 100થી વધુ બાંગ્લાદેશી ઝડપાયા છે. સમગ્ર ઓપરેશનને લઈને સુરતના પોલીસતંત્ર અને કેન્દ્રની ઇન્ટેલિજન્સ એજન્સીઓ વચ્ચે સતત સંકલન રાખવામાં આવી રહ્યું છે, જેથી આવી ગેરકાયદે પ્રવૃત્તિઓને જડમૂળથી નાબૂદ કરી શકાય.