Thursday, Oct 23, 2025

બેંક એકાઉન્ટ ખોલવા માટે આરબીઆઈના નવા નિયમો જાહેર, જાણો

2 Min Read

ભારતીય રિઝર્વ બેંકે ગુરુવારે ડિપોઝિટ અને બેંક ખાતાઓ અંગે કેટલીક મહત્વપૂર્ણ નિર્દેશ જાહેર કર્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરાયેલા નિર્દેશ મુજબ બેંકોને કેટલાક કિસ્સાઓમાં રાહત મળશે. જ્યારે કેટલાક કિસ્સાઓમાં તેમને હવે આરબીઆઈ પાસેથી મંજૂરી લેવી પડશે. આરબીઆઇ એ કહ્યું છે કે બેંકો હવે તેમની વિદેશી શાખાઓ અથવા પ્રતિનિધિઓના નામે રૂપિયા ખાતા ખોલી અથવા બંધ કરી શકે છે. જેમાં કેન્દ્રીય બેંકને જાણ કરવાની જરૂર નથી.

ભારતીય રિઝર્વ બેંકે ડિપોઝિટ અને ખાતાઓ પરના તેના મહત્વના નિર્દેશમા જણાવ્યું હતું કે પાકિસ્તાનની બહાર કાર્યરત પાકિસ્તાની બેંકોની શાખાઓના નામે ખાતા ખોલવા માટે રિઝર્વ બેંક પાસેથી ખાસ મંજૂરી મેળવવી ફરજિયાત રહેશે. તેમાં કહેવામાં આવ્યું છે કે વિદેશી બેંક ખાતામાં જમા કરાવવું એ વિદેશીઓ માટે ચુકવણીનો એક માન્ય માધ્યમ છે અને તેથી તે વિદેશી ચલણમાં ટ્રાન્સફર પર લાગુ પડતા નિયમોને આધીન છે. આરબીઆઇ એ જણાવ્યું હતું કે બિન-નિવાસી વ્યક્તિના બેંક ખાતામાંથી ઉપાડ એ વાસ્તવમાં વિદેશી ચલણ મોકલવા જેવુ છે.

વિદેશી બેંક ખાતાઓના ભંડોળ અંગે, રિઝર્વ બેંકે જણાવ્યું હતું કે બેંકો ભારતમાં તેમની વાસ્તવિક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તેમના ખાતામાં ભંડોળ રાખવા માટે વર્તમાન બજાર દરે તેમના વિદેશી પ્રતિનિધિઓ અને શાખાઓ પાસેથી મુક્તપણે વિદેશી ચલણ ખરીદી શકે છે. જોકે, વિદેશી બેંકો ભારતીય રૂપિયા પ્રત્યે સટ્ટાકીય અભિગમ અપનાવે નહીં તેની ખાતરી કરવા માટે ખાતાઓમાં થતા વ્યવહારો પર નજીકથી નજર રાખવી જોઈએ. આવા કોઈપણ કેસની જાણ રિઝર્વ બેંકને કરવી જોઈએ.

Share This Article