સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ગલતેશ્વર મહાદેવ મંદિર નજીક તાપી નદીમાં ત્રણ વ્યક્તિઓએ આત્મહત્યાનો માર્ગ પસંદ કરતા દુઃખદ ઘટના બની છે. એક મહિલા સહિત પિતા અને પુત્રે નદીના પુલ પરથી પાણીમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું અને ત્રણેયના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.
આર્થિક સંકટ બની આપઘાતનું કારણ?
મૃતકોમાં માતા, પિતા અને તેમનો પુત્ર હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, પરિવાર આર્થિક સંકટથી ઝઝૂમી રહ્યો હતો અને તણાવના કારણે ત્રણેને આત્મહત્યાનું પગલું ભર્યું હોવાની શક્યતા છે. સમગ્ર પરિવાર મૂળ સૌરાષ્ટ્રનો રહેવાસી છે અને હાલ સુરતના ચોકબજાર વિસ્તારમાં રહેતો હતો. પિતા વિપુલભાઈ હીરાના વ્યવસાય સાથે જોડાયેલા હતા.
એક જ પરિવારના ત્રણ સભ્યો ગુમાવતાં સમૂહ શોક
આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે. મહિલાનો મૃતદેહ ગત રાત્રે મળી આવ્યો હતો જ્યારે પિતા અને પુત્રના મૃતદેહ આજે સવારે ફાયર વિભાગ દ્વારા બહાર કાઢવામાં આવ્યા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકોની ભીડ જમાઇ ગઈ હતી અને દુઃખ સાથે હમદર્દી પણ વ્યક્ત કરવામાં આવી હતી.
મૃતકોનાં નામ
- વિપુલભાઇ રવજીભાઇ પ્રજાપતિ (પિતા)
- સરિતાબેન વિપુલભાઇ પ્રજાપતિ (માતા)
- વ્રજ વિપુલભાઇ પ્રજાપતિ (પુત્ર)