Wednesday, Nov 5, 2025

ઓલપાડના સેનાખાડી પર રૂ.5.80 કરોડના ખર્ચે બનેલ ફોરલેન બાયપાસ રોડનું ઉદ્ઘાટન

3 Min Read

ઓલપાડના સેનાખાડી પર રૂ.5.80 કરોડના ખર્ચે નવનિર્મિત ફોરલેન બાયપાસ રોડનું લોકાર્પણ વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. ઓલપાડ બજારના ટ્રાફિકની સમસ્યાને ધ્યાને લઈ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઓલપાડ ટાઉનમાંથી બાયપાસ સાહોલ-કિમને સુરત સાથે જોડતા પુલનું સેના ખાડી પર નિર્માણ થતા મુખ્ય બજારમાં થતા ટ્રાફિકની સમસ્યા હવે ભૂતકાળ બનશે.

આ પ્રસંગે મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે, નવો ઓલપાડ બાયપાસ બનવાથી ઓલપાડ શહેરમાંથી પસાર થતો હજીરા ઔદ્યોગિક વિસ્તારનો મોટા ભાગનો ટ્રાફિક આ બાયપાસ પરથી પસાર થશે. જેના લીધે ઓલપાડ ગામતળના બજાર વિસ્તારની ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થશે તથા ગામતળ વિસ્તાર થતા અકસ્માતો ઘટશે. રોજિંદી અવર જવર કરતાં રાહદારીઓ તેમજ સ્થાનિક નગરજનોના સમય અને ઈંધણનો બચાવ થશે.

મંત્રીશ્રીએ બાયપાસ નિર્માણ માટે આવેલી અડચણોનું નિરાકરણ લાવી બાયપાસ પૂર્ણ કરાયો છે એમ જણાવી ઉમેર્યું કે, કેટલાક કાયદાકીય પ્રક્રિયા, પાણીની લાઈન, ઈલેક્ટ્રિક લાઈન તેમજ ગેસ લાઈન શિફટીંગ જેવી સમસ્યાઓનું નિવારણ કરી કામ આગળ વધારવામાં આવ્યું હતું. માર્ગ અને મકાન વિભાગ સહિત સંબંધિત વિભાગોના સંકલન અને સામૂહિક પ્રયાસોથી આ તમામ સમસ્યાઓનો ઉકેલ લાવવામાં સફળતા મળી હતી.

મંત્રીશ્રીએ કહ્યું કે, આગામી દિવસોમાં ઓલપાડમાં ૧૦૦ બેડની નવી સરકારી હોસ્પિટલનું નિર્માણ કરાશે, જેના કારણે આરોગ્ય સુવિધાઓનો વ્યાપ વધશે. હજીરાથી દહેજ સુધી રૂ.૩૫૬ કરોડના ખર્ચે કોસ્ટલ હાઈવે રાજ્ય સરકાર દ્વારા ઝડપભેર નિર્માણ પામશે. કુદિયાણાથી ઓલપાડ સુધી ફોરલેન રોડ બનશે. સાયણના વિકાસ માટે રાજ્ય સરકારે રૂ.22 કરોડ ફાળવ્યા છે.

ઓલપાડ તાલુકામાં જળસંચય માટે 15,000 વોટર હાર્વેસ્ટીંગ સ્ટ્રકચર બનાવવાનું આયોજન કર્યું છે. સ્ટ્રકચર દીઠ 10 થી 15 લાખ લીટર પાણીની બચત થશે એમ જણાવી મંત્રીશ્રીએ આ સંદર્ભે સાંસદ મુકેશભાઈ દલાલે સાંસદ તરીકેની ગ્રાન્ટમાંથી રૂ.બે કરોડ જળસંચય માટે ફાળવ્યા છે એ બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. મંત્રીશ્રીએ આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે પોતે રૂ.૧.૩૦ કરોડની ગ્રાન્ટ જળસંચયના સ્ટ્રકચરો બનાવવા માટે ફાળવી હોવાનું જણાવ્યું હતું.

ઓલપાડ તાલુકાના 108 ગામોને પ્લાસ્ટિકમુક્ત બનાવવા પ્રત્યેક ગામોમાં ઇકોફ્રેન્ડલી બેગ વેન્ડિંગ મશીનો મૂકવામાં આવશે. પ્રત્યેક મશીનોમાં 100 બેગ ઉપલબ્ધ બનશે અને રૂ.૫ નો સિક્કો નાંખીને કાપડની બેગ મેળવી શકાશે એમ પણ મંત્રીશ્રીએ કહ્યું હતું.

વનમંત્રીશ્રીએ કહ્યું કે, ઓલપાડ તાલુકામાં વસતા હળપતિ ભાઈઓનું મકાન કાચું ન રહે અને પી.એમ.આવાસ તેમજ હળપતિ આવાસ યોજના હેઠળ તેમના પાકા આવાસો બને એ જનપ્રતિનિધિ તરીકે પોતાની જવાબદારી છે અને આવનારા દિવસોમાં આ જવાબદારી 100 ટકા નિભાવવાનો પોતાનો સંકલ્પ છે એમ તેમણે ઉમેર્યું હતું. ડો.બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિના અવસરે બાયપાસ ખૂલ્લો મૂકાયો હોવાથી મંત્રીશ્રીએ આ બાયપાસને ‘બાબાસાહેબ આંબેડકર બાયપાસ’ નામ આપવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.

સાંસદ મુકેશભાઈ દલાલે પ્રાસંગિક ઉદ્દબોધન કરી ઓલપાડ તાલુકો સર્વાંગી વિકાસની રાહ પર આગળ વધી રહ્યો છે. તાલુકામાં રોડ, આરોગ્ય, પાણી, સિંચાઈ, શિક્ષણ સહિત જરૂરી તમામ સુખસુવિધાઓ ઊભી થઇ છે એમ જણાવ્યું હતું. આ વેળાએ ONGCના સી.એસ.આર. ફંડમાંથી માળીફળિયા અસ્નાબાદ આંગણવાડીના રિનોવેશન માટે ONGCના પ્રતિનિધિઓએ મંત્રીશ્રીને રિનોવેશન ફંડ અર્પણ કર્યું હતું.

Share This Article