Sunday, Sep 14, 2025

દિલ્હી એરપોર્ટ પર આંધી-વરસાદનો કહેર, 200થી વધુ ફ્લાઇટ મોડી પડી

2 Min Read

શુક્રવારે મોડીસાંજે દિલ્હીમાં આવેલા ધૂળની આંધીને કારણે ઇન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઇટ્સ કામગીરીમાં વિલંબ થયો હતો. શનિવારે સવારે લગભગ 7 વાગ્યા સુધી આ સ્થિતિ રહી. શુક્રવાર મોડી સાંજથી શનિવાર સવાર સુધી 205થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી અને 50થી વધુ ફ્લાઇટ્સને ડાઇવર્ટ કરવી પડી હતી. એરપોર્ટ સૂત્રોના જણાવ્યા અનુસાર, મોટા ભાગની ફ્લાઇટ્સ સરેરાશ એક કલાક મોડી પડી હતી.

આંધી- તોફાનના કારણે IGI એરપોર્ટ પર હવાઈ સેવાઓ લગભગ ઠપ્પ થઈ ગઈ હતી. શુક્રવારે સાંજે આવેલા આધી- તોફાનને કારણે આજે પણ ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ફ્લાઈટની સેવાઓ ખોરવાઈ ગઈ હતી. ફ્લાઇટ્સ મોડી પડવાના કારણે સેંકડો મુસાફરો અટવાઈ પડ્યા હતા. આંધી- તોફાનના કારણે શનિવારે સવારે પરિસ્થિતિ વધુ વણસી ગઈ. એરપોર્ટ પર અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

હકીકતમાં, શુક્રવારે સાંજે દિલ્હી અને NCR વિસ્તારોમાં આવેલા ભયંકર વાવાઝોડાને કારણે ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હવાઈ સેવાઓ લગભગ ઠપ્પ થઈ ગઈ હતી તેમ કહીએ તો પણ ખોટું નથી. શનિવારે સવારે પણ આંધી તોફાનની અસર જોવા મળી હતી. જેના કારણે સેંકડો મુસાફરો કલાકો સુધી અટવાયા હતા. શુક્રવાર સાંજથી આજે સવાર સુધી ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી 200 થી વધુ સ્થાનિક ફ્લાઇટ્સ મોડી સાંજથી ઉડાન ભરી શકી ન હતી. આંધી તોફાનને કારણે લગભગ 25 ફ્લાઇટ્સ તેમના નિર્ધારિત સ્થળોથી ડાયવર્ટ કરવામાં આવી હતી અને સાત ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી હતી. એરલાઇન્સની આ બેદરકારી બાદ સોશિયલ મીડિયા પર ફરિયાદોનો મારો થઈ રહ્યો હતો.

આ અંગે એર ઈન્ડિયાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, “ભારે આંધી અને તોફાની પવનો અને ખરાબ હવામાનને કારણે ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં ફ્લાઇટ કામગીરી પર અસર પડી છે. દિલ્હી જતી અને આવતી અમારી કેટલીક ફ્લાઇટ્સ મોડી પડી રહી છે અથવા ડાયવર્ટ થઈ રહી છે, જેના કારણે અમારા ફ્લાઇટ શેડ્યૂલ પર અસર થવાની સંભાવના છે. અમે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ અને વિક્ષેપ ઓછો કરવા માટે પ્રયાસો કરી રહ્યા છીએ.”

Share This Article