વડોદરાના જવાહરનગર પોલીસ હદ વિસ્તારમાં આવેલ ધનોરા ગામ પાસે આવેલ GIPCL કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેલનેને લઈ દોડધામ મચી ગઈ હતી. આ અંગેની જાણ વડોદરા શહેર પોલીસને કરતા ઉચ્ચ અધિકારીઓ સહિત વિવિધ તપાસ એજન્સીઓ ઘટના સ્થળે પહોંચી ત્રણ કલાક સુધી સર્ચ કર્યું હતું. કોઈ વાંધાજનક વસ્તુ ન મળતા પોલીસ અને કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલ મેઈલ મોકલનારની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ કંપનીમાં 40 કર્મચારીઓ ફરજ બજાવે છે. ત્યારે આ ઘટનાને લઇ કંપનીના એમડીને ધમકી ભર્યા મેઈલ બાદ તેઓએ પોલીસને જાણ કરી હતી અને તત્કાલિક પોલીસે કંપનીને સર્ચ કરવાની કામગીરી હાથ ધરી હતી.મેઈલ અંગે પોલીસને જાણ કરાતા બીડીડીએસ સહિતની ટીમો કંપની પર પહોંચી હતી અને સર્ચ હાથ ધર્યું હતું. જો કે સુરક્ષા એજન્સીઓ દ્વારા ત્રણ કલાકના સર્ચ બાદ કોઈ પણ વાંધાજનક વસ્તુ મળી આવી નથી જેથી પોલીસ અને કંપનીના કર્મચારીઓએ હાશકારો અનુભવ્યો છે.
આ અંગે કંપનીના સિક્યુરિટી હેડ દ્વારા જવાહનગર પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તેના આધારે તપાસ કરવામાં આવશે કે આ મેઇલ ક્યાંથી આવ્યો છે. આ ફેંક ઇમેઇલ ને લઈ પોલીસે તેના આઈ પી એડ્રેસ અંતર્ગત વધુ કાર્યવાહી હાથ ધરી છે.
શું જણાવ્યું પોલીસે
આ અંગે ડીસીપી જે સી કોઠિયાએ જણાવ્યું હતું કે જે મેઇલ મળ્યો છે તે જી આઈ પી સી એલ ના એમડીને મળ્યો છે. મેલની અંદર બોમ્બ મૂક્યો હોવાની માહિતી દર્શાવવામાં આવી છે. આ અંગેની પોલીસની જાણ થતાં એસઓજી, બીડીડીએસની ટીમ, લોકલ ટીમ, ડીસીપી ક્રાઈમ, એસઓજી ટીમ સહિતની ટીમો દ્વારા સર્ચ કરવામાં આવ્યું છે. પરંતુ હાલ સુધીમાં કોઈ વાંધાજનક વસ્તુ મળેલ નથી. આ મેઇલ ક્યાંથી આવ્યો છે તે શોધવાનું કામ ચાલી રહ્યું છે.