Sunday, Sep 14, 2025

‘શરબત જેહાદ’ કહીને બાબા રામદેવ વિવાદ છેડયો

2 Min Read

બાબા રામદેવ ફરી એકવાર વિવાદોમાં ફસાયા છે. બાબા રામદેવનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે, બાબા રામદેવ પતંજલિની પ્રોડક્ટ્સનો પ્રચાર કરતા ‘શરબત જેહાદ’ શબ્દનો ઉપયોગ કરે છે, લોકો આ બાબા રામદેવની ટીકા કરી રહ્યા છે. આ વાયરલ વીડિયોમાં રામદેવ દાવો કરે છે કે શરબત વેચતી અન્ય કંપનીઓની કમાણીનો એક ભાગ મસ્જિદો અને મદરેસા બનાવવા માટે વાપરવામાં આવે છે.

પતંજલિ પ્રોડક્ટ્સના હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોના કેપ્શનમાં હિન્દીમાં લખવામાં આવ્યું છે, “શરબત જેહાદના નામે વેચાતા ટોયલેટ ક્લીનર્સ અને ઠંડા પીણાંના ઝેરથી તમારા પરિવાર અને માસૂમ બાળકોને બચાવો. ફક્ત પતંજલિ શરબત અને જ્યુસ ઘરે લાવો.”

આ વીડિયોમાં બાબા રામદેવ સોફ્ટ ડ્રિંકસની ટીકા કરતા જોવા મળે છે. તેમનું કહેવું છે કે તે ડ્રિક્સ ટોઇલેટ ક્લીનર જેવું છે, જે ઉનાળામાં તરસ છીપાવવાના નામે પીવામાં આવે છે. રામદેવ આ સોફ્ટ ડ્રિક્સને ભારતીયોના સ્વાસ્થ્ય પર હુમલો કહે છે અને તેમની તુલના ઝેર સાથે કરે છે. વીડિયોમાં બાબા રામદેવ કહે છે કે ઉનાળામાં તરસ છીપાવવાના નામે લોકો ઠંડા પીણા પીવે છે જે ખરેખર ટોઇલેટ ક્લીનર છે. એક તરફ ટોઇલેટ ક્લીનર જેવા ઝેરનો હુમલો છે અને બીજી તરફ શરબત વેચતી એક કંપની છે જે તેમાંથી કમાયેલા પૈસાનો ઉપયોગ મસ્જિદો અને મદરેસા બનાવવા માટે કરે છે. આ સારું છે, આ તેમનો ધર્મ છે.

બાબા રામદેવે વધુમાં દાવો કર્યો કે દેખીતી રીતે જો તમે તે કંપનીનું શરબત પીઓ છો તો તે મસ્જિદો અને મદરેસાઓ માટે ભંડોળ એકત્ર કરવામાં મદદ કરે છે. તેમણે દાવો કર્યો કે જો તમે પતંજલિ શરબત પસંદ કરો છો તો તે ગુરુકુળ, આચાર્યકુળ, પતંજલિ યુનિવર્સિટીઓ અને ભારતીય શિક્ષણ બોર્ડને મદદ કરે છે.

Share This Article