બળાત્કાર કેસમાં દોષિત સાબિત થયા બાદ જેલની સજા કાપી રહેલો ડેરા સચ્ચા સૌદાનો વડો ગુરમીત રામ રહીમ સિંહ ફરી જેલની બહાર આવ્યો છે. તેને 21 દિવસના પેરોલ મળ્યા છે, કડક સુરક્ષા વચ્ચે રામ રહીમ હરિયાણાની સુનારિયા જેલમાંથી સિરસા સ્થિત ડેરા મુખ્યાલય પહોંચ્યો હતો. સિરસામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેના અનુયાયીઓ ખુશ છે, જ્યારે એક બાલાત્કારીને ફરી પે રોલ આપવા બદલ ઘણા લોકો હરિયાણા સરકાર સામે રોષ ઠાલવી રહ્યા છે.
સુનારિયા જેલમ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુરમીત રામ રહીમને બુધવારે સવારે મુક્ત કરવામાં આવ્યો હતો અને તે સિરસામાં ડેરા મુખ્યાલય જવા રવાના થયો હતો. 2017 માં દોષિત ઠર્યા પછી તે બીજી વખત મુખ્યાલય મુલાકાત લઈ રહ્યો છે. હરિયાણા રાજ્ય સરકારે બાળાત્કારના કેસમાં દોષિત રામ રહીમને આ 13મી વખત પેરોલ આપ્યા છે.
નોંધનીય છે કે રામ રહીમને અગાઉ ઘણીવાર પેરોલ મળી ચુક્યા છે. છલ્લે દિલ્હી વિધાનસભા ચૂંટણીના મતદાનના આઠ દિવસ પહેલા 28 જાન્યુઆરીએ તેને 30 દિવસના પેરોલ પર મુક્ત કરવામાં આવ્યો હતો. 28 ફેબ્રુઆરીએ તેના પેરોલ પુરા થયા બાદ તેને ફરી સુનારિયા જેલમાં મોકલવામાં આવ્યો હતો. ગયા વર્ષે ઓક્ટોબરમાં, તેને હરિયાણામાં ચૂંટણીના ત્રણ દિવસ પહેલા 20 દિવસના પેરોલ આપવામાં આવ્યા હતા.
શું છે તેના પર ગુનો
રામ રહીમને ઓગસ્ટ 2017 માં બે મહિલાઓ પર બળાત્કાર કરવાના આરોપમાં 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. 2019 માં, પંચકુલાની એક ખાસ સીબીઆઈ કોર્ટે 16 વર્ષ પહેલાં એક પત્રકારની હત્યા બદલ તેમને અને અન્ય ત્રણ લોકોને આજીવન કેદની સજા ફટકારી હતી. 25 ઓગસ્ટ, 2017 ના રોજ તેમને દોષિત ઠેરવ્યા બાદ, પંચકુલા અને સિરસામાં હિંસા ફાટી નીકળી હતી જેમાં 41 લોકો માર્યા ગયા હતા અને 260 થી વધુ ઘાયલ થયા હતા.