સોમવારે ધરખમ ઘટાડા બાદ આજે શેરબજારમાં અચાનક તેજી આવી છે. બીએસઈ સેન્સેક્સ 1700 પોઈન્ટથી વધુ વધીને ટ્રેડ થઈ રહ્યો છે, જ્યારે નિફ્ટીમાં 500 પોઈન્ટનો વધારો જોવા મળી રહ્યો છે. બપોરે 1.30 વાગ્યા સુધીમાં, સેન્સેક્સ 74800 અને નિફ્ટી 22650 પર હતો. બજારમાં આ વધારો RBIની MPC બેઠકના નિર્ણય પહેલા આવ્યો છે.
એવી અપેક્ષા છે કે ભારતીય રિઝર્વ બેંક રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરી શકે છે. બજારમાં વધારા સાથે BSE માર્કેટ કેપિટલાઇઝેશનમાં પણ વધારો થયો છે અને તે 4.61 લાખ કરોડ રૂપિયા વધીને 393.86 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ ઇન્ડેક્સમાં 3 ટકાનો વધારો થયો છે, જ્યારે મેટલ, રિયલ્ટી અને નાણાકીય ક્ષેત્રોમાં 2 ટકાથી વધુનો વધારો થયો છે. ઇન્ડિયા ફિયર ગેજ 10.2% ઘટીને 20.47 થયો છે.
સોમવારે શેરબજાર જે મૂડ અને સ્થિતિ સાથે બંધ થયું તે જોતાં એવું લાગતું હતું કે મંગળવારે પણ રોકાણકારો નિરાશ થશે. પરંતુ અમેરિકન શેરબજારે આપેલા સંકેતોએ સમગ્ર વિશ્વનો મૂડ બદલી નાખ્યો. મંગળવારે સવારના સત્ર દરમિયાન ભારતીય શેરબજારમાં જોરદાર ખરીદી જોવા મળી. નિફ્ટી 50 ઇન્ડેક્સ 22446 પર ખુલ્યો અને 22577ની ઇન્ટ્રાડે ઊંચી સપાટીને સ્પર્શ્યો. જેમાં ઇન્ટ્રાડેમાં 1.88 ટકાનો વધારો થયો. સેન્સેક્સ 74013 પર ખુલ્યો અને 1.75 ટકાનો વધારો નોંધાવીને 74421ની ઇન્ટ્રાડે ઊંચી સપાટીને સ્પર્શ્યો. બેંક નિફ્ટી 50388 પર ગેપ-અપ પર ખુલ્યો અને ફ્રન્ટલાઈન બેંકિંગ ઇન્ડેક્સ સોમવારના બંધ કરતા 1.87 ટકા વધીને 50793 ની ઇન્ટ્રાડે હાઈ સપાટીને સ્પર્શ્યો.
બધા ક્ષેત્રીય સૂચકાંકોમાં ભારે ખરીદી જોવા મળી. બીએસઈ સ્મોલ-કેપ ઇન્ડેક્સ 1.35 ટકાથી વધુ વધ્યો છે. જ્યારે મિડ-કેપ ઇન્ડેક્સ 1.10 ટકાની આસપાસ વધ્યો છે. સવારે 11:45 સુધીમાં 340 શેર સર્કિટમાં આવી ગયા હતા. જેમાંથી 165 બીએસઈ-લિસ્ટેડ શેર ઉપલી સર્કિટમાં ગયા હતા અને બાકીના 175 બીએસઈ-લિસ્ટેડ શેર નીચલા સર્કિટમાં ગયા હતા. એ જ રીતે મંગળવારના સત્ર દરમિયાન BSE-લિસ્ટેડ 37 શેર 52 અઠવાડિયાના નવા ઉચ્ચ સ્તરે પહોંચ્યા હતા જ્યારે BSE-લિસ્ટેડ 46 શેર 52 અઠવાડિયાના નવા નીચલા સ્તરે પહોંચ્યા હતા. ખાસ વાત એ છે કે શેરબજારના રોકાણકારોએ માત્ર 20 મિનિટના ટ્રેડિંગ સત્રમાં 7.7 લાખ કરોડ રૂપિયાની રિકવરી જોઈ છે.
 
								 
			 
		 
		 
		 
		 
		 
		 
		 
		