એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા છે. રાંધણગેસના ભાવ વધતા મધ્યમ વર્ગ અને ગરીબ લોકોને મોંઘવારી ફટકો લાગ્યો છે. કેન્દ્ર મોદી સરકારે એલીપજી ગેસ સિલિન્ડરના ભાવ 50 રૂપિયા વધાર્યા છે. રાંધણગેસ સિલિન્ડરના ભાવમાં વધારો ઉજ્જવલા યોજનાન પર પણ લાગુ થશે. એક બાજુ એક્સાઇઝ ડ્યુટી વધતા પેટ્રોલ ડીઝલના ભાવ વધશે કે નહીં તેનાથી ચિંતિત પ્રજાને સરકારે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ વધારી દાઝ્યા પર ડામ આપ્યો છે.
સામાન્ય ગ્રાહકો માટે એલપીજી સિલિન્ડરના ભાવ હવે રૂ. 803થી વધી રૂ. 853 થશે. જ્યારે ઉજ્જવલા યોજના હેઠળ 14.2 કિગ્રાના એલપીજી સિલિન્ડરનો ભાવ રૂ. 500થી વધી રૂ. 550 થશે. નોંધ લેવી કે, રાજ્યવાર એલપીજી ગેસના ભાવો અલગ અલગ છે. અમદાવાદમાં એલપીજી ગેસનો ભાવ હાલ રૂ. 800 પ્રતિ 14.2 કિગ્રા છે. જો નવો ભાવ વધારો લાગુ થાય તો આવતીકાલથી ગૃહણીઓને ગેેસ સિલિન્ડર માટે રૂ. 850 ચૂકવવા પડશે.
સરકાર તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, “8 એપ્રિલ 2025 મંગળવારથી ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવી રહ્યો છે. આ વધારો ઉજ્જવલા યોજના અને બિન-ઉજ્જવલા યોજના હેઠળ તમામ ગ્રાહકોને લાગુ પડશે. હવે નવી કિંમતો મુજબ ગેસ સિલિન્ડર માટે ગ્રાહકોને 50 રૂપિયા વધુ ચૂકવવા પડશે. ”