સેન્સેક્સ નિફ્ટીમાં શેરબજારના ઇતિહાસનો બીજો સૌથી મોટો કડાકો બોલાયો છે. શેરબજાર માટે 7 એપ્રિલ 2025નો સોમવારનો દિવસ ફરી બ્લેક મન્ડે બની રહ્યો છે. સોમવારે સેન્સેક્સ 3900 પોઇન્ટ અને નિફ્ટી 1100 પોઇન્ટ તૂટ્યો છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલિસીથી વૈશ્વિક અર્થવ્યવસ્થા અસ્થિરત થઇ ગઇ છે, જેની અસર અમેરિકા, એશિયા સહિત દુનિયાભરના શેરબજારમાં કડાકો બોલાયો છે. જો યુએસ ટ્રેરિફ પોલિસીની સમસ્યા નહીં ઉકેલાય તો ફરી ભયંકર આર્થિક કટોકટી સર્જાવાની દહેશત છે.
શેરબજાર સેન્સેક્સ નિફ્ટીમાં મોટો કડાકો બોલાયો છે. સેન્સેક્સ પાછલા બંધ 75364 સામે આજે સોમવારે 71449 ખુલ્યો છે. જે પાછલા બંધથી 3915 પોઇન્ટનો કડાકો દર્શાવે છે. ટ્રેડિંગ સેશનની શરૂઆતમાં જ સેન્સેક્સ નીચમાં 71425 સુધી ઘટ્યો હતો. જો કે નીચા મથાળેથી રિકવર થઇ સેન્સેક્સ 72000 લેવલ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 22904 સામે 1146 પોઇન્ટ ઘટીને આજે સોમવારે 21758 ખુલ્યો હતો.
સેન્સેક્સ નિફ્ટીમાં કડાકાથી શેરબજારના રોકાણકારોને જંગી નુકસાન થયું છે. 7 એપ્રિ, 2025ના રોજ સ્ટોક માર્કેટ ખુલતાની સાથે જ બોમ્બે સ્ટોક એક્સચેન્જની કુલ માર્કેટકેપ ઘટીને 383.95 લાખ કરોડ રૂપિયા થઇ ગઇ હતી. જ્યારે 4 એપ્રિલના રોજ બીએસઇ પર લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ વેલ્યૂએશન 403.34 લાખ કરોડ રૂપિયા થઇ હતી. આમ સોમવારે શેરબજારમાં રોકાણકારોને 19.39 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે એક મોટું નિવેદન આપતા કહ્યું કે વિદેશી સરકારોએ અમેરિકાના ટેરિફ દૂર કરવા માટે “ઘણા પૈસા” ચૂકવવા પડશે. જ્યારે યુએસ રાષ્ટ્રપતિને વૈશ્વિક અર્થતંત્રમાં અસ્થિરતા અને ટેરિફને કારણે શેરબજારમાં ઘટાડા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ટેરિફ એક પ્રકારની દવા છે અને ક્યારેક ‘કડવા ઘૂંટ’ પીવા પડે છે. ટ્રમ્પે કહ્યું કે ભલે તે હાલમાં બજારને અસર કરી રહ્યું હોય, પરંતુ અમેરિકાના લાંબા ગાળાના સ્વાસ્થ્ય માટે તે જરૂરી છે.