Monday, Dec 29, 2025

અમદાવાદમાં SUV કાર અને બસનો ભયાનક અકસ્માત, કારના ભુક્કા બોલાયા, એકનું મોત

2 Min Read

અમદાવાદમાં કાર ચાલકો બેફામ કાર ચલાવીને અકસ્માતો સર્જવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે અમદાવાદમાં વધુ એક અકસ્માત સર્જાયો છે. અમદાવાદા ચાંદખેડામાં એસયુવી કાર ચાલક એએમટીએસ બસની પાછળ ઘૂસી ગયો હતો. જેના પગલે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્મતામાં ડ્રાઈવરની બાજુમાં બેઠેલી વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

મળતી વિગત પ્રમાણે, ચાંદખેડા ગામના એએમટીએસ બસ સ્ટેન્ડ પાસે આજે સવારે કાર ફૂલ સ્પીડમાં આવી રહી હતી. બસ સ્ટેન્ડ પાસે એએમટીએસની બસમાં મુસાફરો ચડી રહ્યા હતા. આ દરમિયાન કાર અચાનક જ ધડાકાભેર બસ પાછળ ભટકાતા બસમાં ચડી રહેલા લોકો બૂમાબૂમ કરી મૂકી હતી. અકસ્માતમાં કાર ચાલકને ઈજા જ્યારે બાજુમાં બેઠેલા વ્યક્તિનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે બસમાં ચડતા પેસેન્જરોને પણ ઈજા થઈ હતી.

પ્રત્યક્ષદર્શીના કહેવા પ્રમાણે, કાર ફૂલ સ્પીડમાં જતી હતી ત્યારે બસના પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી. બસામાં ચડતા લોકો ગભરાઈ ગયા હતા અને બૂમાબૂમ કરવા લાગ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે, કાર ચાલક નશામાં હોઈ શકે છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અકસ્માત સમયે XUV કારની ઝડપ એટલી વધારે હતી કે બસને પાછળથી ટક્કર મારતા બસ 10 ફૂટ આગળ સુધી ખસી ગઈ હતી. તેમજ કારમાં ફસાઈ ગયેલા વ્યક્તિઓને બહાર કાઢવા માટે કટર અને ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. જેમાં કાર કોની છે અને અકસ્માત થયેલ લોકો ક્યાથી આવ્યા હતા તેની પોલીસ તપાસ કરી રહી છે. તેમજ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા છે.

Share This Article