સુરત શહેરમાં આરટીઆઈના નામે ખંડણી માગવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. તાજેતરમાં શહેરના પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈ સામે આવો જ ગંભીર કેસ સામે આવ્યો છે. શહેરની એસ.ઓ.જી. ટીમે કામગીરી હાથ ધરતાં પ્રકાશ દેસાઈને ત્રણ લાખ રૂપિયાની ખંડણી લેતા રંગેહાથ પકડ્યો હતો.
માહિતી અનુસાર, પ્રકાશ દેસાઈએ શહેરના જાણીતા લિયો ક્લાસીસના સંચાલક પાસેથી 4.50 લાખ રૂપિયાની ખંડણી માગી હતી. આરટીઆઈ કરી વારંવાર ધમકી આપી પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. ફરિયાદ પ્રમાણે, પ્રકાશ દેસાઈ સતત લિયો ક્લાસીસ વિરુદ્ધ આરટીઆઈ ફાઈલ કરીને સંચાલકને હેરાન કરતો હતો. પોતાના ડિમાન્ડ પૂરી નહીં થાય તો મનપાની મુખ્ય કચેરી સામે ધરણા પર બેસવાની પણ ધમકી આપી હતી. ઉપરાંત, ફરિયાદીએ પોલીસને જણાવ્યું કે ધમકી આપતી વખતે પૂર્વ કોર્પોરેટરે ‘થિયેટર’ અને ખંડણી માટે ‘ટિકિટ’ જેવા કોડવર્ડનો ઉપયોગ કરતો હતો. આથી હેરાન થયેલા સંચાલકે આખરે પોલીસનો આશરો લેવાનો નિર્ણય કર્યો હતો.
શહેરમાં કથિત પત્રકારો અને આર. ટી. આઈ. એક્ટિવિસ્ટો તોડબાજી કરતા હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. હાલમાં આરટીઆઈ કરી ખંડણી માંગવાના પ્રકરણમાં પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈની એસ.ઓ.જી.એ ધરપકડ કરી. પોલીસે પ્રકાશ દેસાઈને 3,00,000ની ખંડણી લેતા રંગે હાથ ઝડપ્યો. અગાઉ આપ પાર્ટીના કોર્પોરેટર રાજુ મોરડીયા અને પંકજ પટેલની અલગ-અલગ ખંડણી માંગવાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. રાજુ મોરડીયા અને પંકજ પટેલે ડામર રોડનું કામ અટકાવવા ધમકી આપી પૈસા પડાવ્યા હતા. પોલીસ અસમાજિક તત્ત્વો અને બની બેઠેલા RTI એક્ટિવિસ્ટો અને કથિત પત્રકારો સામે ઝુંબેશ ચલાવતા અનેક ગુનેગારો સહિત મોટા માથાઓને પણ સંકજામાં લઇ રહી છે.