કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ગુરૂવારે સરકાર પાસેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા છેલ્લા 3 વર્ષમાં કરવામાં આવેલી વિદેશ મુલાકાતો પર થયેલા ખર્ચની વિગતો માંગી હતી. આ મુદ્દે વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગરિટાએ રાજ્યસભામાં લેખિતમાં જણાવ્યું હતું કે વર્ષ મે, 2022 થી ડિસેમ્બર, 2024 દરમિયાન વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસો પર કેટલો ખર્ચ થયો હતો.
રાજ્યસભામાં આપેલા જવાબ મુજબ, 32 મહિનામાં તેમણે 38 વિદેશયાત્રાઓ કરી હતી, જેમાં કુલ 258 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. નેપાળ મુલાકાત દરમિયાન સૌથી ઓછો 80,01,483 રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો હતો, જ્યારે કે જૂન, 2023માં અમેરિકાની મુલાકાત દરમિયાન સૌથી વધુ 22,89,68,509 રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.