નાગપુરમાં સોમવારે રાત્રે થયેલી હિંસા બાદ સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ શહેરના ઘણા સંવેદનશીલ વિસ્તારોમાં કર્ફ્યુ ચાલુ છે. દરમિયાન નાગપુર પોલીસે બુધવારે ફહીમ શમીમ ખાનનો પહેલો ફોટો જાહેર કર્યો છે. ફહીમ 17 માર્ચે શહેરમાં થયેલી સાંપ્રદાયિક હિંસાનો માસ્ટરમાઈન્ડ હોવાનું કહેવાય છે. આ હિંસામાં ઘણા લોકો ઘાયલ થયા છે.
પોલીસે જણાવ્યું હતું કે, ફહીમ ખાન MDPના શહેર પ્રમુખ છે અને નાગપુરના યશોધરા નગરમાં સંજય બાગ કોલોનીમાં રહે છે. સાંપ્રદાયિક અથડામણના સંબંધમાં નોંધાયેલી FIRમાં તેનું નામ સત્તાવાર રીતે સામેલ કરવામાં આવ્યું છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ફહીમ ખાને કથિત રીતે અથડામણ શરૂ થયાના થોડા સમય પહેલા જ ભડકાઉ ભાષણ આપ્યું હતું. પોલીસ અધિકારીઓએ દાવો કર્યો હતો કે તેમના ભાષણથી વિસ્તારમાં સાંપ્રદાયિક તણાવ ઉશ્કેરવામાં આવ્યો હતો, જેના કારણે હિંસા થઈ હતી.
વધુમાં જાણવા મળ્યું છે કે, ફહીમ ખાને 2024ની લોકસભા ચૂંટણી નાગપુર બેઠક પરથી લઘુમતી ડેમોક્રેટિક પાર્ટી (MDP)ના ઉમેદવાર તરીકે લડી હતી. તેઓ ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સામે 6.5 લાખથી વધુ મતોના જંગી અંતરથી હારી ગયા હતા. નાગપુરના પોલીસ કમિશ્નર રવિન્દ્ર કુમાર સિંઘલે કહ્યું કે બપોર પછી સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે.
જ્યારે અન્ય એક અધિકારીએ કહ્યું કે સંવેદનશીલ વિસ્તારોમાં બે હજારથી વધુ સશસ્ત્ર પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. એ જ રીતે, નાયબ પોલીસ કમિશનર રેન્કના અધિકારીની આગેવાની હેઠળ ક્વિક રિએક્શન ટીમ (QRT) અને રાયોટ કંટ્રોલ પોલીસ (RCP) દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, એમ તેમણે જણાવ્યું હતું.
પોલીસે નાગપુર હિંસા મામલે 50 લોકોની ધરપકડ કરી છે. 100થી વધુ લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે. જે હિંસામાં સામેલ આરોપીઓની શોધ કરી રહી છે. દાવો થઈ રહ્યો છે કે, અભિનેતા વિકી કૌશલની છાવા ફિલ્મના કારણે લોકોમાં ઔરંગઝેબ વિરૂદ્ધ રોષ ભભૂક્યો હતો. સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ ઔરંગઝેબને સારા શાશક ગણાવ્યા હતા. બીજી તરફ વિહિપ અને બજરંગદળ દ્વારા ઔરંગઝેબની કબર તોડી પાડવાની માગ પર થઈ રહેલા દેખાવો પર અફવા ફેલાતાં હિંસા ફાટી નીકળી હતી.