લોકસભામાં મહાકુંભ પર બોલતા, વડાપ્રધાન મોદીએ કહ્યું કે મહાકુંભનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. તેની સફળતામાં લોકોએ ફાળો આપ્યો છે. હું દેશભરના ભક્તોનો, યુપીના લોકોનો, ખાસ કરીને પ્રયાગરાજના લોકોનો આભાર માનું છું. તેમણે કહ્યું કે મહાકુંભમાં આપણે રાષ્ટ્રીય ચેતનાના જાગૃતિના સાક્ષી બન્યા. વિશ્વએ મહાકુંભના રૂપમાં ભારતનું ભવ્ય સ્વરૂપ જોયું. દુનિયા આપણી સંસ્કૃતિને આત્મસાત કરી રહી છે.
વડાપ્રધાને મહાકુંભમાંથી ઘણા અમૃત નીકળ્યા હોવાનું જણાવીને ઉલ્લેખ કર્યો કે,એકતાનું અમૃત તેનો સૌથી પવિત્ર પ્રસાદ છે. મહાકુંભ એક એવો કાર્યક્રમ હતો જેમાં દેશના દરેક ક્ષેત્ર અને દરેક ખૂણાના લોકો ભેગા થયા હતા. પ્રયાગરાજમાં લોકો “હું નહીં પણ આપણે” એવી લાગણી સાથે એકઠા થયા. જ્યારે સંગમના કિનારે વિવિધ ભાષાઓ અને બોલીઓ બોલતા લોકો હર હર ગંગેનો નારા લગાવે છે, ત્યારે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ ની ઝલક દેખાય છે અને એકતાની લાગણી વધે છે. વડાપ્રધાને કહ્યું કે, પરંપરા સાથે આપણે મોટા લક્ષ્યો પ્રાપ્ત કરી શકીએ છીએ. આપણે નદી ઉત્સવની પરંપરાનો વિસ્તાર કરવો પડશે. નદી મહોત્સવ નદીઓનું સંરક્ષણ કરશે.
મહાકુંભમાં આપણે જોયું કે, નાના અને મોટા વચ્ચે કોઈ ભેદ નહોતો. આ ભારતની એક મોટી તાકાત છે. આ દર્શાવે છે કે એકતાનું અદ્ભુત તત્વ આપણી અંદર વણાયેલું છે. આપણી એકતાની શક્તિ એટલી પ્રબળ છે કે તે આપણને વિભાજીત કરવાના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે.એકતાની આ ભાવના ભારતીયોનું મોટું સૌભાગ્ય છે. આજે દુનિયામાં પ્રવર્તી રહેલા અવ્યવસ્થાના સમયમાં, એકતાનું આ પ્રદર્શન આપણી સૌથી મોટી તાકાત છે. વિવિધતામાં એકતા એ આપણી વિશેષતા છે. તેનું વિશાળ સ્વરૂપ પ્રયાગરાજ મહાકુંભમાં અનુભવાયું છે.
આપણી જવાબદારી છે કે આપણે વિવિધતામાં એકતાના આ લક્ષણને સમૃદ્ધ બનાવતા રહીએ. મહાકુંભમાંથી આપણને ઘણી પ્રેરણા મળી છે. આપણા દેશમાં ઘણી નાની-મોટી નદીઓ છે, જેમાંથી ઘણી નદીઓ સંકટનો સામનો કરી રહી છે. કુંભમાંથી પ્રેરણા લઈને આપણે નદી ઉત્સવની પરંપરાને નવો વિસ્તાર આપવો પડશે. આપણે આ વિશે ચોક્કસ વિચારવું જોઈએ. આનાથી વર્તમાન પેઢી પાણીનું મહત્વ સમજશે. નદીઓનું રક્ષણ કરવામાં આવશે. મને વિશ્વાસ છે કે મહાકુંભમાંથી ઉત્પન્ન થતું અમૃત આપણા સંકલ્પોની સિદ્ધિ માટે એક મજબૂત માધ્યમ બનશે.