વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રસિદ્ધ પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન સાથેના પોડકાસ્ટમાં ગુજરાતના ગોધરા કાંડ અંગે મહત્ત્વના ખુલાસા કર્યાં હતા. 3 કલાકના આ પોડકાસ્ટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક પ્રશ્નોનો અંગે ખાસ ચર્ચાઓ કરી હતી. 2002માં થયેલા ગોધરાકાંડ વિશે પણ પીએમ મોદીએ ચર્ચા કરી હતી. જ્યારે આ અંગે લેક્સ ફ્રિડમેને પીએમ મોદીને અનેક બાબતના ધારદાર સવાલો કર્યા ત્યારે વડા પ્રધાને તેનો જવાબ પણ શાનદાર આપ્યો હતો.
પીએમ મોદીએ તે સમયની કેન્દ્ર સરકાર પર આક્ષેપ લગાવતા કહ્યું હતું કે, “તે સમયે કેન્દ્રમાં વિપક્ષની સરકાર હતી અને તેમણે ગુજરાત રમખાણો દરમિયાન અમારી સામેના ખોટા કેસોમાં અમને સજા કરાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો.” જો કે, તેમણે ઉમેર્યું કે તેમના તમામ પ્રયત્નો છતાં, ભારતના ન્યાયતંત્રએ સમગ્ર ઘટનાનું ખૂબ જ વિગતવાર વિશ્લેષણ કર્યું અને ત્યારબાદ આરોપીઓને કાયદેસરની સજા થઈ છે.
2002ના રમખાણો પહેલાની પરિસ્થિતિ વર્ણવતા પીએમ મોદીએ કહ્યું હતું કે, “તમે 2002ના રમખાણો વિશે વાત કરો તે પહેલાં, હું તમને એ સમયની પરિસ્થિતિનો યોગ્ય ખ્યાલ આપવા માટે પાછલા વર્ષોની કેટલીક ઘટનાઓ યાદ કરાવવા માંગુ છું. 24 ડિસેમ્બર 1999ના રોજ કાઠમંડુથી દિલ્હી જતું વિમાન હાઇજેક કરીને કંદહાર લઈ જવામાં આવ્યું હતું. વર્ષ 2000માં લાલ કિલ્લા પર આતંકવાદી હુમલો થયો હતો અને ઓક્ટોબર 2001માં જમ્મુ-કાશ્મીર વિધાનસભા પર આતંકવાદી હુમલો થયો હતો.”
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ હુલ્લડના કારણની વાત કરતા કહ્યું કે, ટ્રેનમાં આગની ઘટનાએ કેટલાક લોકોએ હિંસા માટે પ્રેરિત કર્યા હતાં. કેન્દ્રમાં સત્તામાં રહેલા વિપક્ષે અમારી સરકાર પર આરોપો લગાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ કોર્ટે પરિસ્થિતિ જોઈ અને અમને નિર્દોષ જાહેર કર્યા. અમારા રાજકીય વિરોધીઓ ઇચ્છતા હતા કે અમારા પરના આરોપો સાચા સાબિત થાય. જે લોકો જવાબદાર હતા તેમને કોર્ટમાંથી ન્યાય મળ્યો.