Monday, Dec 29, 2025

વક્ફ બિલ મુદ્દે મુસ્લિમ સંગઠનોનું જંતરમંતર ખાતે વિરોધ પ્રદર્શન

3 Min Read

ભારતમાં વક્ફ બોર્ડને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભારતમાં રેલવે અને ડિફેન્સ બાદ સૌથી વધારે જમીન વક્ફ બોર્ડ પાસે છે. દેશમાં વક્ફ બોર્ડ પાસે 8 લાખ એકરથી વધુ જમીન હોવાનું કહેવાય છે. એટલું જ નહીં પરંતુ વકફ એસેટ મેનેજમેન્ટ સિસ્ટમ ઓફ ઈન્ડિયાના ડેટા દર્શાવે છે કે, દેશમાં વકફની 8 લાખ 72 હજાર 321 સ્થાવર અને 16 હજાર 713 જંગમ મિલકતો છે. હવે બોર્ડને લઈને વિવાદ ચાલી રહ્યો છે. વક્ફ બોર્ડની જમીન સરકાર હસ્તક લેવા માટે વિચારણા ચાલી રહી છે. જેનો મુસ્લિમો સાથે કોંગ્રેસ દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે.

AIMPLBના ધરણા પર પ્રતિક્રિયા આપતાં વક્ફ JPC અધ્યક્ષ અને ભાજપ સાંસદ
જગદંબિકા પાલે દાવો કર્યો કે, આ બિલ ગરીબ મુસ્લિમ અને પસમાંદા મુસ્લિમ માટે છે. જ્યારે બેઠક થઈ રહી હતી તો તેમાં ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના લોકોને પણ બોલાવવામાં આવ્યા હતા, તમામ સ્ટેઇક હોલ્ડર સામેલ હતા, તેમ છતાં વિરોધ કરવો યોગ્ય નથી. આ મુદ્દે રાજકારણ કરવામાં આવી રહ્યું છે. આ કાયદાને લઈને ભ્રમ પેદા કરવામાં આવી રહ્યો છે. દેશના લોકોને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે. દેશ અને રાજ્ય કાયદાથી ચાલે છે. 370 સમયે પણ લોહીની નદીઓ વહેવાની વાત કરવામાં આવી હતી પરંતુ, જમ્મુ-કાશ્મીરમાં એવું કંઈ ન થયું. ત્રિપલ તલાકના સમયે પણ જંતર-મંતર પર વિરોધ કરવામાં આવ્યો હતો. જેમ પહેલાંના સંશોધન દેશના ભલા માટે કરવામાં આવ્યા હતા તેમ વક્ફ પણ દેશના ભલા માટે કરવામાં આવી રહ્યું છે.

એક મુસ્લિમ નેતાએ કહ્યું કે, દરેક ધર્મિક બાબતોનું રક્ષણ કરવું એ ભારતીય બંધારણનો અધિકાર છે. જે આપણાં માટે નમાઝ અને રોજા જરૂરી છે, તેવી જ રીતે વક્ફની રક્ષા કરવી પણ જરૂરી છે. સરકારે વકફ જમીન પર અતિક્રમણ કરનારાઓ સામે કાર્યવાહી કરવી જોઈતી હતી, પરંતુ સરકારે વકફ જમીન પર કબજો કરવા માટે કાયદો બનાવ્યો. આપણે ભારતને ગુલામીના આધારે નહીં પણ વફાદારીના આધારે સ્વીકાર્યું છે.

મોટાભાગના મુસ્લિમ નેતાઓ દ્વારા વક્ફ બોર્ડ સુધારા બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અહી માત્ર વક્ફ બોર્ડ જ નહીં પરંતુ હોળી પર મસ્જિદોને ઢાંકવામાં આવી હતી તેનો પણ ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. એક મુસ્લિમ નેતા ઉબૈદુલ્લાહ આઝમીએ કહ્યું કે, આઝાદ ભારતમાં આટલી નફરત ક્યારેય નથી જોઈ. કહ્યું કે, તમે શાસન કરી રહ્યા છો અને નફરતની જ્વાળાઓને ભડકાવી રહ્યા છો. હિન્દુનો ‘હ’ અને મુસ્લિમનો ‘મ’ સાથે મળીને ‘હમ’ બને ​​છે, જેનાથી દેશને આઝાદી મળી છે. તેમ તેમણે ઉમેર્યું હતું.

Share This Article