સુરતમાં રસ્તા પર મોતની સવારી લઈને નીકળતા નબીરાઓ લોકો માટે જોખમી બની રહ્યાં છે. એક પછી એક અકસ્માત નબીરાઓ સર્જી રહ્યાં છે. ત્યારે રસ્તા પર પોલીસને પડકાર ફેંકતા હોય તે રીતે નબીરાઓની જોખમી સવારીના વીડિયો વાયરલ થઈ રહ્યાં છે.
સુરતમાં નબીરાઓના એક ટોળાનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં GJ 05 RV 9841 કારમાં અજાણ્યા શખસો ભેગા થઈને પોલીસને ગાળો આપી રહ્યા છે. આ સાથે પોતાના ચહેરાને કાળા રંગે રંગી રસ્તા વચ્ચે ધતિંગ કરતાં પોતાની સાથે અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે. વીડિયોમાં નબીરાઓ સ્કોર્પિયો પર બેસીને ફરી રહ્યાં છે અને બેફામ ગાડી હંકારી રહ્યાં છે. મોઢા પર કાળો કલર કરી પોલીસને ગાળો આપી લલકારી રહ્યા છે કે, હવે ઓળખો અને પકડી બતાવો.
વરાછા પોલીસે 9 લોકોની કરી ઘરપકડ
ગોહિલ હિરેન, વિશાલ શિયાળ, ઉમેશ સીરસાઠ, શૈલેષ રાઠોડ, ગોપાલ પરમાર, મનહર રાઠોડ, બિપિન રાઠોડ, જયેશ ગોહિલ સહિત સગીરની ધરપકડ કરી
પોલીસની કામગીરી પર પણ પ્રશ્ન ઊભા કરે છે. જ્યારે પણ આવો વીડિયો વાઈરલ થાય છે, ત્યારે પોલીસ આવા નબીરાઓને પકડીને સરઘસ કાઢે છે અને સોશિયલ મીડિયા પર BEFORE, AFTER ના વીડિયો બનાવે છે. પરંતુ, આવી ઘટના જ ન બને તે માટે કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવતાં. પોલીસને લલકારવાની આવી તાકાત થવી એ પોલીસની કામગીરી પર મોટા પ્રશ્ન ઊભા કરે છે. આવા વીડિયો દર્શાવે છે કે, પોલીસ રાજ્યની જનતામાં કાયદો અને વ્યવસ્થા જાળવી શકવામાં નિષ્ફળ સાબિત થઈ છે.