વડોદરા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર વાઘોડીયા ચોકડીથી આજવા ચોકડી વચ્ચે આવેલી એલએન્ડટી નોલેજ સિટી નજીક દારૂ ભરેલી કાર પલટી જતા રસ્તા પર બોટલો રેલાઈ હતી. કારમાં બે લોકો સવાર હતા જેમાં એક વ્યકિત ત્યાંથી નાશી છૂટ્યો હતો જ્યારે એક ઈજાગ્રસ્ત ત્યાં જ પડ્યો રહ્યો હતો. ઘટનાના પગલે લોકો એકઠા થઈ ગયા હતા. પરંતુ, કેટલાક લોકોએ ઈજાગ્રસ્ત ડ્રાઈવરને મદદ કરવાને બદલે દારૂની બોટલોની ઉઠાંતરી કરી ભાગતા જોવા મળ્યા હતા. આ બનાવમાં કપુરાઇ પોલીસે અલગ-અલગ ત્રણ ગુના નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતના બનાવની મળતી માહિતી અનુસાર શહેરના એલ.એન્ડ.ટી નોલેજ સિટી પાસે રોડ પરથી પોતાની કારમાં પસાર થતા 30 વર્ષના અજાણ્યા યુવકને ટ્રકે ટક્કર મારી દેતા કાર આગળ જતા બાઈકમાં પણ અથડાઈ હતી. આમ ત્રીપલ અકસ્માતમાં કાર ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જનાર ટ્રક ચાલક નાસી ગયો હતો. અકસ્માત બાદ કારમાં ભરેલો દારૂ રોડ પર ફેલાયો હતો. લોકોએ દારૂની લૂંટ કરી હતી.
કપુરાઈ પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી બેહોશ બનેલા કાર ચાલકને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડ્યો હતો. હજુ આ બનાવની પૂછપરછ અને તપાસ ચાલી રહી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.