સુરત શહેરના રાંદેર કોઝવે નજીક જુગાર રમતા લોકો પોલીસને જોઈ ભાગ્યા હતા. જે પૈકી બે યુવકો તાપી નદીમાં કૂદી પડ્યા હતા, જેમનું ડૂબી જવાથી મોત નિપજ્યું છે. રાંદેર કોઝવે નજીક કેટલાક લોકો જુગાર રમી રહ્યા હતા, ત્યારે રાંદેર પોલીસની ટીમ આવી પહોંચી હતી. જેના પગલે જુગાર રમી રહેલા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, રાંદેર ખાતે માલમવાડ સ્ટ્રીટમાં રહેતા 52 વર્ષીય ગુલામ નબી ઉર્ફે મંજુ ગુલામ મહોમ્મદ સફેદ અને 50 વર્ષીય મહોમ્મદ અમીન, મહોમ્મદ હુસેન હોટલવાલા અને તેમના ચાર મિત્ર સાથે મંગળવારે (11 માર્ચ) બપોરે રાંદેરના ઈકબાલ નગર પાસે કોઝવે નજીક આવેલી અવાવરૂ જગ્યામાં જુગાર રમી રહ્યા હતા. તે સમયે ત્યાં અચાનક આવેલી પોલીસને જોઈને જુગારીઓ આમતેમ ભાગવા લાગ્યા હતા. જેમાં ગુલામ નબી અને મોહમદ અમીન કોઝવેમાં કૂદી પડ્યા હતા. બંનેને કૂદતા જોઈ તાત્કાલિક ફાયર બ્રિગેડનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. જોકે, ફાયરની ટીમ ત્યાં પહોંચે તે પહેલા સ્થાનિકોએ બંનેને બહાર કાઢી નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા, જ્યાં બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા હતાં.
આ મામલે મૃતકના ભાઈ મહોમ્મદ સાજિદ ગુલામ સફેદાએ જણાવ્યું કે, બન્ને મૃતકો કોઝવે નજીક જંગલમાં જુગાર રમી રહ્યા હતા. આ દરમિયાન રાંદેર પોલીસના ડી-સ્ટાફની ટીમે દરોડો પાડયો હતો. જેથી આ બન્ને લોકો નદીમાં કૂદી પડયા હતા. જેવા બન્ને યુવકો ડૂબી ગયા.
જ્યારે અન્ય એક જુગારીએ જણાવ્યું કે, અમે જુગાર રમતા હતા. આ સમયે ડી-સ્ટાફ વાળા ધસી આવતા 4 જણા ભાગી ગયા હતા, જે પૈકી 2 જણાં પાણીમાં કૂદી પડયા હતા. જ્યારે બે જણા પકડાઈ ગયા હતા. મેં ડી-સ્ટાફના જવાનોને વિનંતી કરી કે, સાહેબ આ લોકોને તરતા નથી આવડતું, તો તેમણે મને જવાબ આપ્યો કે, તેઓ જખ મારવા પાણીમાં કૂદ્યા. તે બન્ને જણાં પાણીમાં ગરકાવ થઈ ગયા અને પેટમાં પાણી ભરાઈ ગયું અને મરી ગયા પછી મને છોડીને કહ્યું કે, જા બચાવી લે. મેં તેમને બહાર કાઢીને CPR આપી બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે બચી ના શક્યા.
રાંદેર પોલીસ મથકમાં પી.આઈ આર.જે ચૌધરીએ જણાવ્યું કે, પોલીસ મથકના ગુનાનો વોન્ટેડ આરોપી રાશીદ તુડો કોઝવે પાસે હોવાની બાતમી મળતા પોલીસ ટીમે તેને પકડવા કોઝવે પાસે ગઈ હતી અને ત્યાંથી તે મળી આવતા તેને ઝડપી લેવાયો હતો. તે સમયે અહીં જુગાર રમતા લોકો પોલીસને જોઈને આમતેમ ભાગવા લાગ્યા હતાં. જેમાં બે શખસો વિયરના પાણીમાં કૂદી પડ્યા હતાં, બે ફરાર થઈ ગયા હતાં અને અન્યે બે શખસને ઝડપી લેવાયા હતાં. સમગ્ર ઘટના અંગે હાલ તપાસ શરૂ છે.