Monday, Dec 29, 2025

છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પર EDની મોટી કાર્યવાહી

3 Min Read

છત્તીસગઢના ભૂતપૂર્વ CM અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેશ બઘેલના ઘરે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દરોડા પાડ્યા છે. EDના અધિકારીઓએ ભિલાઈના પદ્રુમનગરસ્થિત બઘેલના ઘરે પહોંચ્યા હતા. બઘેલ સિવાય કમસે કમ 14 જગ્યાએ EDએ દરોડાની કાર્યવાહી કરી છે. એમાં કેટલાક ઉદ્યોગપતિઓ પણ સામેલ છે. જેમાં તેમના પુત્ર ચૈતન્ય બઘેલના સ્થળે પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (EDએ) દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી કથિત આર્થિક અનિયમિતતા અને મની લોન્ડરિંગ સંબંધિત મામલાઓને લઈને કરવામાં આવી રહી છે.

આજે સવારે લગભગ 7 વાગ્યે EDની ટીમ ભૂપેશ બઘેલના ભિલાઈ પદુમનગર ખાતેના નિવાસસ્થાને પહોંચી હતી. આ કાર્યવાહી છત્તીસગઢના વિવાદાસ્પદ દારૂ કૌભાંડ સાથે જોડાયેલી છે, જેમાં મની લોન્ડરિંગના ગંભીર આરોપો લાગ્યા છે. તપાસ દરમિયાન ચૈતન્ય બઘેલનું નામ સામે આવ્યું છે. આ દરોડા એ દારૂ કૌભાંડ કેસની ચાલી રહેલી તપાસનો એક ભાગ છે, જેમાં EDએ પહેલાંથી જ ઘણી મોટી કાર્યવાહીઓ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, EDની ટીમે ચૈતન્ય બઘેલના પરિસરમાં પહોંચીને દસ્તાવેજોની તપાસ અને પુરાવાઓ એકત્ર કરવાનું શરૂ કર્યું છે. આ સાથે જ રાજ્યના અન્ય 14 સ્થળોએ પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જે આ કેસ સાથે સંકળાયેલા અન્ય શંકાસ્પદોને લક્ષ્યમાં રાખે છે. આ કાર્યવાહીએ રાજકીય અને સામાજિક વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે.

ED એ આ કેસમાં અગાઉ મે 2024માં મોટી કાર્યવાહી કરી હતી, જેમાં ભૂતપૂર્વ IAS અધિકારી અનિલ તુટેજા, રાયપુરના મેયર એજાઝ ઢેબરના ભાઈ અનવર ઢેબર સહિત અનેક આરોપીઓની સંપત્તિઓ જપ્ત કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં કુલ 205.49 કરોડ રૂપિયાની મિલકતો પર કામચલાઉ જપ્તી લગાવાઈ હતી, જેમાં 18 જંગમ અને 161 સ્થાવર મિલકતોનો સમાવેશ થાય છે. આ મિલકતોમાંથી અનિલ તુટેજાની 14 મિલકતો હતી, જેની કિંમત 15.82 કરોડ રૂપિયા હતી, જ્યારે અનવર ઢેબરની 115 મિલકતોની કિંમત 116.16 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. આ ઉપરાંત, વિકાસ અગ્રવાલની 3 મિલકતો જપ્ત થઈ, જેની કિંમત 1.54 કરોડ રૂપિયા હતી. અરવિંદ સિંહની 33 મિલકતો પણ જપ્ત કરાઈ, જેનું મૂલ્ય 12.99 કરોડ રૂપિયા હતું. અરુણ પતિ ત્રિપાઠીની 1.35 કરોડ રૂપિયાની સંપત્તિ પણ EDના હાથે લગાવાઈ હતી. આ તમામ જપ્તીઓ દારૂ કૌભાંડમાં થયેલી નાણાકીય ગેરરીતિઓના પુરાવા તરીકે ગણાવવામાં આવી હતી.

છત્તીસગઢનું દારૂ કૌભાંડ એ ભૂપેશ બઘેલના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન ઉઠેલો એક મોટો વિવાદ છે. આ કેસમાં મોટા પાયે નાણાકીય ગેરવ્યવહારોના આરોપો લાગ્યા છે, જેની તપાસ ED દ્વારા ઝીણવટથી કરવામાં આવી રહી છે. ચૈતન્ય બઘેલનું નામ સામે આવવું એ આ કેસમાં નવો વળાંક લાવ્યો છે, જે ભૂપેશ બઘેલની સીધી સંડોવણીની શક્યતાને પણ ઉજાગર કરે છે. EDનું માનવું છે કે આ કૌભાંડમાંથી મળેલી રકમનો ઉપયોગ ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યો હતો, અને તેની તપાસ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે.

Share This Article