ગોંડલમાં રહસ્યમય રીતે લાપતા થયેલા યુવકનો મૃતદેહ કુવાડવા પાસેથી મળી આવ્યો છે. એક સપ્તાહ પૂર્વે યુવક ગુમ થયો હતો. જે અંગે પિતા દ્વારા રાજકોટ એસ.પી.ને ફરિયાદ કરવામાં આવી હતી.જેના પગલે તપાસ શરૂ થઇ હતી. ત્યારે રાજકોટના કુવાડવા પાસે તરઘડિયા નજીક વાહન અડફેટે આવીને મૃત્યુ પામનાર અજાણ્યા યુવકની ઓળખ ગોંડલના જ લાપત્તા યુવાન તરીકે થતાં ચકચાર મચી જવા પામી છે. આ મામલે મૃતકના પરિવારજનો દ્વારા હત્યા કરાયાનો આક્ષેપ કરવામાં આવતા આજે મૃતક યુવાનનું રી પીએમ કરવામાં આવશે.
વધુ વિગતો અનુસાર ગોંડલના ગાયત્રીનગરમાં રહેતા અને પાઉભાજીનો ધંધો કરતા રતનલાલ શંકરલાલ જાટે રાજકોટ જિલ્લા પોલીસવડાને લેખિત ફરિયાદ કરીને આક્ષેપ કર્યા છે કે, ગત તા.2 માર્ચે પોતાના પુત્ર રાજકુમાર સાથે ઘરે આવી રહ્યાં હતા ત્યારે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા સામેથી પસાર થતી વખતે તેમને અટકાવવામાં આવ્યા હતા અને 8-10 માણસોએ બેફામ માર માર્યો હતો. બાદમાં પિતા-પુત્ર બન્ને ઘરે જતાં રહ્યા હતા.
આશ્રમમાંથી નીકળ્યાના 500 મીટર દૂર રોડ અકસ્માતમાં મોત
રાજકુમાર જાટની લાશ મળવાને મામલે રાજકોટ ગ્રામ્ય પોલીસે સત્તાવાર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પોલીસ દ્વારા ગુમ થનાર રાજકુમાર જાટના સોશિયલ મીડિયા એકાઉન્ટ અને સીસીટીવી બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી. રાજકોટ રૂરલ પોલીસે સીસીટીવી જાહેર કર્યા છે. 2 માર્ચ 2025એ પિતા-પુત્ર રાત્રે માથાકૂટ કરતા દેખાયા હતા. 3 માર્ચે રાત્રિના 2 વાગ્યા આસપાસ પુત્ર ઘરેથી નીકળી ગયો હતો. 3 તારીખે સાંજે રાજકુમાર જાટ રામધામ આશ્રમ ખાતે પહોંચ્યો હતો અને 4 તારીખે રાત્રિના 2 વાગ્યા આસપાસ રાજકુમાર જાટ આશ્રમમાંથી બહાર નીકળી ગયો હતો.
આશ્રમમાંથી નીકળ્યાના 500 મીટર દૂર રોડ અકસ્માતમાં તેનું મોત થયું હતું. 4 માર્ચે રાત્રિના 3 વાગ્યા આસપાસ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ અકસ્માતમાં તેનું મોત થયું હતું. 9 માર્ચે રાજકુમાર જાટની પરિવારજનોએ મૃતદેહની ઓળખ કરી હતી અને પીએમ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો.
સાંસદ હનુમાન બેનિવાલે કહ્યું- જાટ સમાજ સહન નહીં કરે રાજકોટ-ગોંડલના યુવકના શંકાસ્પદ મોતના મામલે હવે રાજસ્થાનના સાંસદ હનુમાન બેનિવાલે પણ ટ્વીટ કરી સમગ્ર મામલે સીબીઆઇ તપાસની માગ કરી છે. તેમને કહ્યું છે કે આ ઘટનાને જાટ સમાજ સહન નહી કરે. આ ઘટના સંસદમાં ઉઠાવીશ. પૂર્વ બાહુબલી વિધાયક અને તેના સાગરીતો આ હત્યાકાંડમાં શામેલ છે.
મૃતક રાજકુમારના બનેવી અર્જુનભાઈએ જણાવ્યું હતું કે, મારો સાળો રાજકુમાર 3 માર્ચથી ગોંડલ ખાતે તેના ઘરેથી ગુમ થયો હતો. રાજકોટમાં તેમનો અકસ્માત થયો હોવાનો કોલ પોલીસ પાસેથી મળ્યો હતો. ગોંડલ ખાતે જયરાજસિંહના ફાર્મ હાઉસ પાસેથી પસાર થતા તેને ત્યાં ઊભેલા 5-7 લોકો સાથે નાની-મોટી મારામારી થઈ હતી. એવું કાંઈ ખાસ હતું નહીં. રાજકુમાર મિસિંગ હતો અને તેનો અકસ્માત થયો હોવાનું પોલીસે કહેતા અમે તેનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવાની માગ કરી છે.