છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ગામમાં એક હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે, જેમાં તાંત્રિક વિધિના નામે પાંચ વર્ષની નિર્દોષ બાળકીની બલિ ચઢાવી દેવામાં આવી.
પ્રાપ્ત વિગતો મુજબ, ગામમાં રહેતા તાંત્રિક લાલુ હિંમતભાઈએ પોતાની ઘરની સામે રહેતી બાળકીનું અપહરણ કરી તેને પોતાના ઘરમાં લઈ ગયો. ત્યાં ગૂપ્ત તાંત્રિક વિધિ બાદ માસૂમ બાળકીના ગળા પર કુહાડીથી ઘા મારી તેની હત્યા કરી. આ ઘટના માત્ર એટલા સુધી સીમિત નહોતી, તાંત્રિકે બાળકીની દોઢ વર્ષીય નાના ભાઈનું પણ અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો.
જ્યારે ગામલોકોએ આ હ્રદયવિદારી ઘટના જોઈ, ત્યારે તેઓ દોડી ગયા અને નાના બાળકને બચાવવાની કામગીરી કરી. તરત જ પોલીસે જાણ કરવામાં આવી, અને મામલતદાર સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો.
હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે અને આરોપી તાંત્રિક લાલુ હિંમતભાઈની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે, અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.