દેશભરમાં અત્યારે સુધી ‘અમે બે અમારા બે’ નો વિચાર ચાલતો આવ્યો છે. મોટા ભાગે લોકો માત્ર બે બાળકો પેદા કરતા હોય છે, જેમાં વર્ષો પહેલા સરકારે પણ આ વિચારને પ્રોત્સાહન આપ્યું હતું. પરંતુ હવે એક નવો રાહ ચિંધવામાં આવી રહ્યો હોવાના અહેવાલો થોડા સમયથી વહેતા થયા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આંધ્ર પ્રદેશમાં તેલુગુ દેશમ પાર્ટીના વિજયનગરમના સાંસદ કાલીસેટ્ટી અપ્પલા નાયડુએ એક અજીબ પ્રકારનો વાયદો કર્યો છે, જે અત્યારે ચર્ચાનું કેન્દ્ર પણ બન્યો છે. સાંસદ કાલીસેટ્ટી અપ્પલા નાયડુએ કહ્યું છે કે, જે મહિલા ત્રીજું બાળક પેદા કરશે તેને 50,000 રૂપિયા અથવા ગાય ભેટ તરીકે આપવામાં આવશે.
મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પ્રકાશમ જિલ્લાના માર્કપુર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં જાહેરાત કરી હતી કે તમામ મહિલા કર્મચારીઓને ડિલિવરી સમયે પ્રસૂતિ રજા આપવામાં આવશે, પછી ભલે તેમના બાળકોની સંખ્યા ગમે તેટલી હોય. હકીકતમાં, મુખ્યમંત્રીએ એક મજબૂત સંદેશ આપ્યો છે કે બધી મહિલાઓએ શક્ય તેટલા વધુ બાળકો પેદા કરવા જોઈએ.
શુક્રવારે, એક કોન્સ્ટેબલ દ્વારા ગૃહમંત્રી સમક્ષ શંકા ઉઠાવવામાં આવી હતી કે શું મહિલા કર્મચારીઓને પ્રસૂતિની સંખ્યા ગમે તેટલી હોય, પ્રસૂતિ રજા આપવામાં આવશે? આવી સ્થિતિમાં, મુખ્યમંત્રીએ શનિવારે પોતાનો જવાબ સ્પષ્ટ કર્યો છે. અત્યાર સુધી, મહિલા કર્મચારીઓને ફક્ત બે પ્રસૂતિ માટે પૂરા પગાર સાથે છ મહિનાની પ્રસૂતિ રજા મળતી હતી, પરંતુ હવે મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે મહિલા કર્મચારીઓને બાળકોની સંખ્યા ગમે તે હોય, બધી પ્રસૂતિ માટે રજા આપવામાં આવશે. આ પછી, વિજયનગરમના સાંસદ કાલિસેટ્ટી અપ્પલાનાયડુએ ત્રીજા બાળકને જન્મ આપતી મહિલાઓ માટે પ્રોત્સાહનોની જાહેરાત કરી છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વિજયનગરમના રાજીવ સ્પોર્ટ્સ કમ્પાઉન્ડમાં આયોજિત સભાને સંબોધતા, વિજયનગરમના સાંસદે જાહેરાત કરી કે જો કોઈ મહિલા ત્રીજા બાળકને જન્મ આપે છે, તો જો તે પુત્રી હોય તો તેને 50,000 રૂપિયા અને જો તે પુત્ર હોય તો ગાય આપવામાં આવશે. આ જાહેરાત હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.