Monday, Dec 29, 2025

સુરતમાં નેપાળી યુવકની હત્યા, પરિવારનો મકાન માલિકના પુત્ર પર આરોપ

2 Min Read

સુરતના કતારગામ ખાતે આવેલ ગોટાલાવાડી વિસ્તારમાં કપડાની બેગ લઈ જવા જેવી નજીવી બાબતે હત્યાનો બનાવ બનતા ચકચાર મચી ગઈ હતી. મકાન માલિકે ભાડુઆત યુવકની બેગ પૂછયા વગર લઇ જતા બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. બાદમાં ઉગ્ર બોલાચાલી થતા આરોપી મકાન માલિકે ચપ્પુથી યુવકના ગળા ઉપર ઘા મારતા તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ, કતારગામ ગોટાલાવાળી ખાતે રેલ રાહત કોલોનીમાં રહેતો સરોજ દિપક બોહરા (ઉ.વ.20) મૂળ નેપાળનો વતની હતો અને સુરતમાં પોતાના બનેવી આકાશ સાથે રહેતો તેમજ ડાયમંડના ખાતામાં કામ કરતો હતો. દરમિયાન ગત સાંજે તેનો મકાન માલિક આરોપી પ્રકાશ મુળજીભાઈ સોસા અને સરોજ બોડરા વચ્ચે કપડાંની બેગ મુદ્દે બોલાચાલી થઈ હતી અને જોતાજોતા ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારે આરોપી પ્રકાશે નજીકમાં પડેલા ચપ્પુથી સરોજના ગળામાં મારી દેતા તેને ઊંડો ઘા વાગતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

યુવકની હત્યાની વાત પરિવારને થતાં પરિવાર હાલ શોકમાં છે. પરિવારે યુવક જે ઘરમાં ભાડે રહેતો તે મકાન માલિકના દીકરા પર હત્યાનો આરોપ લગાવ્યો છે. પરિવારે આરોપ લગાવ્યો કે, જૂની અદાવતમાં સરોજની હત્યા કરવામાં આવી છે. પરંતુ, હજુ સુધી આ આરોપોની પુષ્ટિ થઈ શકી નથી. સમગ્ર મામલે પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. હજુ સુધી યુવકની હત્યા કોણે અને કેમ કરી તે વિશે કોઈ જ માહિતી સામે આવી નથી. પોલીસે આ મામલે મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે શંકાસ્પદોની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Share This Article