7 માર્ચ 2025ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે આવી રહ્યા છે. જેને લઈ સુરત શહેરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પોલીસ, પાલિકા અને કલેક્ટર તંત્રના ઉપરી અધિકારીઓ આયોજન સંદર્ભે સમીક્ષા સાથે સ્થળ નિરીક્ષણ, રૂટની ચકાસણીમાં વ્યસ્ત છે. PM મોદી દિલ્હીથી સુરત એરપોર્ટ અને સેલવાસાથી હેલિકોપ્ટરમાં પર્વત પાટિયા વિસ્તારમાં બનાવેલા હેલીપેડ ખાતે આવશે. ત્યાંથી અંદાજે ત્રણ કિમી સુધીનો રોડ શો કરી લિંબાયતના નીલગિરિ ગ્રાઉન્ડ પહોંચવાના છે. આ રોડ શો માટે 30 સ્ટેજ ઊભા કરી અલગ અલગ રાજ્યની સંસ્કૃતિ રજૂ કરવામાં આવશે, જેમાં અંદાજે 2 લાખ લોકો ઊમટે એવી શક્યતા છે.
શુક્રવારની સાંજથી લઈ શનિવારની સવાર સુધીમાં, એટલે કે નવસારી જવા નીકળે ત્યાં સુધીમાં 28 કિમીના રૂટ પર વડાપ્રધાન ગાડીમાં ફરશે. આ મુલાકાત માટે 8000 પોલીસ જવાનોની સુરક્ષા વ્યવસ્થા, રોડ શોને લઈ ટ્રાફિક મેનેજમેન્ટ માટે વૈકલ્પિક અને પ્રતિબંધિત રૂટ, નીલગિરિ ગ્રાઉન્ડ ખાતે યોજાનારી સભાની તૈયારીઓ તથા શહેરમાં કરવામાં આવેલા પેઇન્ટિંગ અને 30 સ્ટેજ બનાવવા સુધીની તૈયારીઓ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે 8000 પૈકી 5000 સ્થાનિક પોલીસ ઉપરાંત અન્ય શહેર-જિલ્લાની 3000થી વધુ પોલીસ તહેનાત રહેશે. IPSથી લઈ PSI સુધીના 500થી વધુ ઉચ્ચ પોલીસ અધિકારીઓને મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત SRPની 4 ટુકડી અને હોમગાર્ડ જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે.
PM મોદીના રોડ શોને લઈને રસ્તાઓથી માંડીને ડિવાઈડર, લાઈટોથી માંડી તમામ સ્તરે બ્યુટિફિકેશનની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. તે પૂર્વે મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, સુરત શહેરના મેયર સહિતના પદાધિકારીઓએ PM મોદીના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ PM મોદીના સ્વાગત માટે રોડ શો માટે તૈયાર કરાયેલા 30થી વધુ સ્ટેજ પર દેશના વિવિધ રાજ્યોની સંસ્કૃતિઓ રજૂ કરવામાં આવશે. ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તરપ્રદેશ, બિહાર, ઓડિશા, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન સહિતનાં રાજ્યોની લોક સંસ્કૃતિ, નૃત્ય, વેશભૂષા અને સાંસ્કૃતિક પરંપરાઓ વડાપ્રધાન સમક્ષ પ્રસ્તુત કરવામાં આવશે.લિંબાયત વિસ્તાર મીની ભારત તરીકે ઓળખાય છે, કારણ કે અહીં દેશના 26 રાજ્યમાંથી આવેલા લોકો વસવાટ કરે છે.