વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજમાં સંપન્ન થયેલાં મહાકુંભને લઈને એક બ્લોગ લખ્યો છે. જેમાં તેમણે આ આયોજનને એકતાનો મહાકુંભ કહ્યો છે. વડાપ્રધાને કહ્યું કે, સમાજના દરેક વર્ગ અને દરેક ક્ષેત્રના લોકો મહાકુંભમાં એક થઈ ગયાં. આ આયોજનની સફળતાને લઈને તેઓ સોમનાથ દર્શ માટે જશે અને દરેક ભારતીયો માટે પ્રાર્થના કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના બ્લોગમાં લખ્યું કે, ‘મહાકુંભ સંપન્ન થયો. એકતાનો મહાયજ્ઞ સંપન્ન થયો.
વડાપ્રધાન મોદીએ કહ્યું, “મહાકુંભ પૂર્ણ થયો છે…એકતાનો મહાન યજ્ઞ પૂર્ણ થયો છે. પ્રયાગરાજમાં એકતાના મહાકુંભમાં 45 દિવસ સુધી આ એક જ તહેવાર માટે 140 કરોડ દેશવાસીઓની શ્રદ્ધા જે રીતે એકત્ર થઇ હતી, તે અદભુત છે. મહાકુંભની પૂર્ણાહુતિ પછી મારા મનમાં આવેલા વિચારોને મેં લખવાનો પ્રયાસ કર્યો છે.”
નોંધનીય છે કે વડાપ્રધાન મોદીએ પણ મહાકુંભમાં હાજરી આપી હતી, તેમણે 5 ફેબ્રુઆરીના રોજ ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના ત્રિવેણી સંગમ ખાતે સ્નાન કરીને ધન્યતા અનુભવી હતી. ‘આ દેશની જાગૃત ચેતના દર્શાવે છે’ ગયા વર્ષે અયોધ્યામાં રામ મંદિરના ભવ્ય પ્રતિષ્ઠા કાર્યક્રમને યાદ કરતા વડાપ્રધાન મોદીએ લખ્યું, “22 જાન્યુઆરી, 2024 ના રોજ, મેં ભક્તિ અને દેશભક્તિ વિશે વાત કરી હતી. મહાકુંભ દરમિયાન, અનેક દેવી-દેવતાઓ, બાળકો અને વૃદ્ધો, મહિલાઓ અને યુવાનો એકઠા થયા હતા, જે દેશની જાગૃત ચેતના દર્શાવે છે.”
વડાપ્રધાન મોદીને મહાકુંભને મેનેજમેન્ટ પ્રોફેશનલ્સ તથા પ્લાનિંગ અને પોલિસી એક્ષ્પોર્ટ માટે રીસર્ચનો વિષય ગણાવ્યો. વડાપ્રધાન મોદીએ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારની ભરપુર પ્રશંસા કરી.વડાપ્રધાન મોદીએ લખ્યું, “યુપીના સંસદ સભ્ય તરીકે, હું ગર્વથી કહું છું કે યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળના લોકોએ અને વહીવટીતંત્રે આ કાર્યક્રમને સફળ બનાવ્યો. કેન્દ્ર હોય કે રાજ્ય, કોઈ પણ શાસક કે વહીવટકર્તા નહોતું, મહાકુંભ દરમિયાન દરેક વ્યક્તિ સમર્પિત ‘સેવક’ હતો. આ મહાકુંભને સફળ બનાવવા માટે દરેક વ્યક્તિએ સંપૂર્ણ સમર્પણ સાથે કામ કર્યું.” તેમણે કહ્યું, “આ 45 દિવસોમાં મુશ્કેલીઓ છતાં પ્રયાગરાજના લોકોએ શ્રદ્ધાળુઓને મદદ કરી, તે પ્રશંસનીય છે. હું પ્રયાગરાજ અને ઉત્તર પ્રદેશના લોકોનો આભાર માનું છું.”
આ સિવાય નરેન્દ્ર મોદીએ નદીની સ્વચ્છતા વિશે વાત કરતા કહ્યું કે, ‘જ્યારે હું કાશી ચૂંટણી માટે ગયો હતો, ત્યારે મારા અંતરમનના ભાવ શબ્દોમાં પ્રકટ થયા હતાં અને મેં કહ્યું હતું કે, મા ગંગાએ મને બોલાવ્યો છે. તેમાં એક જવાબદારીનો ભાવ પણ હતો, આપણી માતા સ્વરૂપી નદીઓની પવિત્રતાને લઈને, સ્વચ્છતાને લઈને. પ્રયાગરાજમાં ગંગા-યમુના-સરસ્વતીના સંગમ પર મારો સંકલ્પ દ્રઢ થયો છે. ગંગા, યમુના, આપણી નદીઓની સ્વચ્છતા આપણાં જીવનની યાત્રા સાથે જોડાયેલી છે. આપણી જવાબદારી બને છે કે, નદી ભલે નાની હોય કે મોટી, તેને જીવનદાતા માતાનું પ્રતીક માનીને, આપણે આપણી સુવિધા મુજબ નદી ઉત્સવ ઉજવીએ. એકતાના આ મહાન કુંભે આપણને આપણી નદીઓને સ્વચ્છ રાખવા અને આ અભિયાનને મજબૂત બનાવવા પ્રેરણા આપી છે.