Thursday, Oct 23, 2025

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીની કારનો દુર્ગાપુર એકસપ્રેસ-વે પર અકસ્માત

1 Min Read

ગુરુવારે દુર્ગાપુર એક્સપ્રેસ વે પર ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીની કારનો અકસ્માત થયો. આ અકસ્માત ત્યારે થયો જ્યારે સૌરવ ગાંગુલી એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે બર્દવાન જઈ રહ્યા હતા. મળતી માહિતી મુજબ, દંતનપુર નજીક અચાનક એક ટ્રક તેમના કાફલાની સામે આવી ગયો, જેના કારણે તેમના ડ્રાઇવરે અચાનક બ્રેક લગાવવી પડી. આ કારણે પાછળથી આવતા વાહનો એકબીજા સાથે અથડાઈ ગયા અને તેમાંથી એક ગાડી સૌરવ ગાંગુલીની કાર સાથે અથડાઈ ગઈ.

આ દુર્ઘટનામાં સૌરવ ગાંગુલી અને તેમના કાફલામાં રહેલા કોઇ પણ વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી નહોતી પરંતુ તેમને આશરે 10 મિનિટ સુધી રોડ પર રોકાવું પડ્યું હતું. તેમના કાફલાની બે ગાડીઓ ડેમેજ થઇ હતી. દુર્ઘટનાના સ્થળે કેટલોક સમય રોકાયા બાદ તેઓ પોતાના નિશ્ચિત કાર્યક્રમ માટે રવાના થઇ ગયા હતા. તેમને બર્દવાન યુનિવર્સિટિમાં આયોજીત કાર્યક્રમમાં ભાગ લેવાનો હતો.

નોંધનીય છે કે સૌરવ ગાંગુલી ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના ભૂતપૂર્વ પ્રમુખ છે. તેમને ભારતીય ક્રિકેટના સૌથી આક્રમક અને પ્રભાવશાળી કેપ્ટનોમાંના એક ગણવામાં આવે છે. તેમની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમે વિદેશમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ઘણી ઐતિહાસિક જીત નોંધાવી હતી.

Share This Article